વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઈઝરાયલ પ્રવાસે જવા રવાના થઈ રહ્યા છે. 70 વર્ષમાં ઈઝરાયલ જનારા પ્રથમ પીએમ છે. 4થી 6 જુલાઈ દરમિયાનની આ મુલાકાતમાં ઇઝરાયલના પીએમ નેતાન્યાહુ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કરવા હાજર રહેશે. નેતાન્યાહુ મોદી સાથે દરેક કાર્યક્રમમાં હાજરી આપશે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને મોદી વચ્ચે ડિફેન્સ, સાઈબર સિક્યુરીટ સહિત અનેક મહત્વના કરાર થઈ શકે છે. ઇઝરાયલમાં તેમને યુએસ પ્રેસિડેન્ટ અને પોપ જેવું સન્માન આપવામાં આવશે.
મોદી સાથે નેતન્યાહૂ ઘણાખરા કાર્યક્રમમાં સાથે હશે તેવું પ્રથમ વખત બનશે. ઇઝરાયલ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોને ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તેથી ભારતીય વડા પ્રધાનની યાત્રાને ઇઝરાયલી મીડિયા ઐતિહાસિક ગણાવી રહ્યું છે. મોદીની મુલાકાતનાં આયોજન માટે 11 મંત્રાલયને જવાબદારી સોંપાઈ છે.
ઇઝરાયલી કેબિનેટે બંને દેશો વચ્ચેના વેપારમાં રૂ.517 કરોડના વધારાને મંજૂરી આપી દીધી છે. તે ઉપરાંત બંને દેશ વચ્ચે ગંગાની સફાઈ, હાઈ ટેક્નોલોજી, વોટર મેનેજમેન્ટ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, લશ્કરી સહકાર, સ્માર્ટ સિટી, રિસર્ચ અને સાયબર સિક્યોરિટી ક્ષેત્રોમાં કરાર થવાની સંભાવના છે.
આ પાંચ બાબતો પહેલી વખત બનશે
– 70 વર્ષના ઈતિહાસ અને 25 વર્ષના સંબંધમાં પ્રથમ વખત કોઈ ભારતીય પીએમની ઈઝરાયલ મુલાકાત
– 1950માં પ્રથમ વખત ભારતે ઈઝરાયલને માન્યતા આપી પરંતુ 1992માં નરસિંહારાવ સરકાર સમયે બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો બન્યા.
– મોરારજી દેસાઈ સરકારે ઈઝરાયલ સાથે કમ્યુનિકેશન શરૂ કર્યું. તે સમયે ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર ભારતની સિક્રેટ ટ્રિપ પર આવ્યા. 1985માં યુએન એસેમ્બલીમાં રાજીવ ગાંધીએ ઈઝરાયલના પીએમ શિમોન પેરેજ સાથે મુલાકાત કરી.
– 1997માં ઈઝરાયલ પીએમ એજર વીજમેન અને 2003માં એરિયલ શેરોન ભારત આવ્યા. 2003માં જ જસવંત સિંહે ઈઝરાયલ મુલાકાત લીધી.
– મોદી પહેલા કોઈ ભારતીય પીએમ ઈઝરાયલ પ્રવાસે ગયા નથી.
પ્રથમવખત પોપ-યુએસ પ્રેસિડેન્ટ જેવુ સન્માન આપશે નેતન્યાહૂ
– નેતન્યાહૂ તેની ટોપ પ્રોટોકોલ ટીમ સાથે મોદીને રિસીવ કરવા એરપોર્ટ પર હાજર રહેશે.
– નેતન્યાહૂ 4 જુલાઈએ મોદીના સન્માનમાં ડિનર આપશે. 5 જુલાઈએ મોદીને કમ્યુનિટી ડિનર આપવામાં આવશે.
– ભારતમાં ઇઝારયલના એમ્બેસેડર ડેનિયલ કાર્મન મુજબ, જે સન્માન મોદીને આપવામાં આવશે તે માત્ર યુએસ પ્રેસિડેન્ટ અને પોપને જ આપવામાં આવે છે.
ઇઝરાયલના વડા પ્રધાન નેતાન્યાહુએ જણાવ્યું હતું કે, પીએમ મોદી વિશ્વના સૌથી મહત્ત્વના વડા પ્રધાનો પૈકીના એક છે. ૭૦ વર્ષમાં કોઈ ભારતીય પીએમ ઇઝરાયલની મુલાકાતે આવ્યા નથી. ઇઝરાયલની મુલાકાત પહેલાં કે પછી મોદી પેલેસ્ટાઇનની મુલાકાતે નહીં જાય.
આ પગલું ભારતની અગાઉની નીતિ કરતાં તદ્દન ઊલટું છે. આતંકવાદ સામે ભારત અને ઇઝરાયલ ગાઢ સહકાર સાધશે : મોદી ઇઝરાયલના પ્રવાસે જતાં પહેલાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને તેલ અવિવ આતંકવાદ સામેની લડાઇમાં ગાઢ સહકાર સાધી શકે છે. ઇઝરાયલી અખબાર હાયોમને આપેલી મુલાકાતમાં મોદીએ જણાવ્યું હતું કે, આતંકવાદ વૈશ્વિક દૂષણ છે.
ભારત અને ઇઝરાયલ પણ તેનાથી અછૂતા નથી. બંને દેશ આતંકવાદથી પીડિત છે. નિર્દોષ લોકો સામે હિંસા આચરતાં તત્ત્વોને ઉગતા જ ડામી દેવા ભારત અને ઇઝરાયલ સહમત છે.
source: sandesh