પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે બળવો સહિતની કલમો હેઠળ હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે ચાર્જફ્રેમ માટે કેસ પડતર છે. ત્યાં અચાનક આરોપી કેતન લલિતભાઈ પટેલે ગુનાની તમામ હકીકતો જણાવવાનું કહીને તાજનો સાક્ષી બની જતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
સેશન્સ જજ શૈલેષકુમાર હીરાલાલ ઓઝાએ આરોપી કેતન પટેલની ગુનાની કબૂલાત સાથે માફી મેળવવા માટે કરેલી અરજી મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ સહિતના ચાર આરોપીઓ સામે તપાસનીશ અધિકારીએ કોર્ટમાં ૬૧૮ દસ્તાવેજી પુરાવા સાથે ડ્રાફટ ચાર્જ રજૂ કર્યા હતા.જેમાં એકયા બીજા કારણો દર્શાવીને મુદતો લેવામાં આવી રહી છે.
પાટીદાર અનામત આંદોલન કેસમાં હાર્દિક પટેલ સહિત ચાર આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ માટે પડતર હતો. ત્યાં અચાનક કેતન પટેલે ક્રાઈમ બ્રાન્ચમાં લેખિત અરજી આપીને ગુનામાં માફી આપવામાં આવે તો સાક્ષી બનીને તમામ હકીકતોનો પર્દાફાશ કરવા જણાવ્યુ હતુ.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે લીગલ ઓપીયનલ મેળવીને કોર્ટને જાણ કરી હતી.
કેતન પટેલ કોર્ટમાં હાજર થઈને તમામ હકીકીતો જણાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ કેતન પટેલે જજ સમક્ષ ગુનાને લગતી કબૂલાત આપી હતી.જે આશરે ૨૩ પાનાની થાય છે.
જેમાં પાટીદાર અનામત આંદોલન ઉભુ થયુ અને રાજયમાં કેવી રીતે તોફાનો ફાટયા સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આરોપી કેતન પટેલ ક્રાઈમ બ્રાન્ચને મદદ કરવા તૈયાર હોવાથી તેને ગુનામાંથી માફી આપીને તાજનો સાક્ષી બનાવવા ખાસ સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. પછી કોર્ટે આરોપી કેતન પટેલની અરજી ગ્રાહ્ય રાખીને ગુનામાંથી માફી આપીને સાક્ષી બનાવ્યો છે.
સરકારે કેમ સાક્ષી બનવા દીધો પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સામે કાવતરું રચવામાં આવ્યુ હતુ. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાવત્રાના પુરાવા મળી આવ્યા નહોતા. કાવત્રાની હકીકતો માત્ર આરોપીઓ જ જાણતા હતા.ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૩૦૭ હેઠળ આરોપીને માફી આપવામાં આવે તો આરોપીઓ વચ્ચે થયેલી વાતચીતોનો પુરાવો રેકર્ડ ઉપર આવશે.
પાટીદાર અનામત આંદોલનમાં સભાની મંજૂરી કેતન પટેલના નામની મેળવી હતી. આ વખતે શુ શુ વાતચીતો થઈ હતી, ષડયંત્ર કયાંથી શરૂ થયુ તે હકીકતો બહાર આવી શકશે. કેવી રીતે સાક્ષી બન્યો કેતન પટેલ સહિતના આરોપીઓ સામે સેશન્સ કોર્ટમાં કેસ ચાલવવા માટે આવ્યો હતો.તે વખતે કેતન પટેલે ક્રાઈમ બ્રાન્ચના તપાસનીશ અધિકારીને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો.જેમાં ગુનાના કાવત્રાને લગતી તથા ગુનાને લગતી તમામ હકીકતો સ્વેચ્છાએ જણાવવા તૈયાર છે.
આરોપી કબુલાતવાળી સત્ય હકીકતો જો ઈન્સાફી કાર્યવાહી દરમ્યાન જણાવશે અને કાયમ રાખશે તો તેને માફી આપવામાં આવે તો વાંધો નથી. ઉપરાંત કેતન પટેલે લેખિતમાં ગુનાને લગતી હકીકતો ક્રાઈમ બ્રાન્ચને આપી હતી.
જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં તા.૨-૮-૨૦૧૭ના રોજ પત્ર લખીને માફી આપવા જણાવ્યુ હતુ. જજ સમક્ષ આરોપી હાજર થયો ક્રાઈમ બ્રાન્ચનો પત્ર સાથે ખાસ સરકારી વકીલો તા.૧૮-૮-૨૦૧૭ના રોજ કોર્ટમાં હાજર રહ્યા હતા.જયા કેતન પટેલે ક્રાઈમ બ્રાન્ચને લખેલો પત્ર અને કોર્ટમાં જજ સમક્ષ જણાવ્યુ હતું કે, કોઈ પણ જાતની ધાક-ધમકી વગર સ્વેચ્છાએ મારા અંતરાત્માના અવાજ પ્રમાણે ગુનાની કબૂલાત કરૂ છુ.
જો આ ગુનામાંથી માફી આપી સાક્ષી તરીકે દર્શાવવામાં આવે તો તેઓ તથા અન્ય આરોપીઓએ આચરેલ ગેરકાયદેસર કૃત્ય અંગે તમામ હકીકતો તેની જાણમાં છે તે સાક્ષી તરીકે તપાસવામાં આવે તો પુરાવો આપીશ.
હવે કેસમાં શું થઈ શકે પાટીદાર અનામત આંદોલન કેસમાં આવેલા અચાનક વળાંકને પગલે હાર્દિક પટેલ સહિત ત્રણ આરોપીઓ સામે દેશદ્રોહ હેઠળનો કેસ મજબૂત થશે.
આરોપીઓ દ્વારા રચવામાં આવેલ કાવતરૂ અને સરકાર સામે ગુનાહિત બળ દેખાડી ધાક બેસાડવા અને સરકાર સામે ધિક્કાર,તિસ્કાર અને અનાદર ફેલાવવાની કલમો લગાવી હતી. આ કેસ પુરવાર કરવા માટે કેતન પટેલની સાક્ષી તરીકેની જુબાની ઘણી મહત્વની રહેશે.
source: sandesh