Online Shoping site in India

અક્કલ…..

 • શાદી…

  એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

  તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

   

   

વિકાસનો વિચાર

201622Nov

 ભૌતિક જગતના અન્વેષણક્ષેત્રમાં માનવ આગળ વધ્યો છે ને વધી રહ્યો છે તથા બીજા પ્રકારનો વિકાસ પણ સાધી શક્યો છે તોપણ એ વિકાસ અધૂરો અથવા એકાંગી છે. અધૂરો અથવા એકાંગી એટલા માટે કે એની સાથે માનવનો માનસિક અથવા આત્મિક વિકાસ જોઈતા પ્રમાણમાં નથી થઈ શક્યો. એને લીધે એનું વ્યક્તિગત તથા સામૂહિક જીવન સામાન્ય રીતે સ્વસ્થ, સંવાદી ને શાંત નથી બની શક્યું.

એ જીવનનો આવશ્યક આસ્વાદ પણ એને નથી મળી શક્યો. એમાં કશું આશ્ચર્ય પણ નથી લાગતું. કારણ કે ભૌતિક અન્વેષણો, સુખસાધનો ને બીજા સ્થૂળ વિકાસો જ્યાં સુધી આત્મિક વિકાસથી સંપન્ન ન થાય ત્યાં સુધી માનવના મનને શાંતિ નથી આપી શકતાં ને કૃતાર્થ પણ નથી કરતાં. બાહ્ય જગતની જેમ માનવના મન-અંતરને પણ વિકસાવવાની, સંયમી કરવાની ને ઉદાત્ત બનાવવાની આવશ્યકતા છે.

જીવનનો સાચો આનંદ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે. જીવનના એવા અંતરંગ વિકાસને માટે આધ્યાત્મિક સાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. એના સિવાય માનવને કે માનવસમાજને નથી ચાલવાનું.

ભારતના પ્રાતઃસ્મરણીય ઋષિવરોએ એ અગત્યની હકીકત પ્રત્યે પહેલેથી જ સૌનું ધ્યાન દોર્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એ સંદર્ભમાં જ કહેવામાં આવ્યું છે :
विद्या चाविद्यां च यस्तद्वेदोभयं सह ।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नु ते ॥
'વિદ્યાને અને અવિદ્યાને બંનેને જે એક-સાથે જાણી લે છે તે અવિદ્યા દ્વારા મૃત્યુને તરી જઈને વિદ્યા દ્વારા અમૃતમય પરમાત્માની પ્રાપ્તિ કરે છે’

એમાં જે વિદ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે એ વિદ્યા અધ્યાત્મવિદ્યા છે, અને અધ્યાત્મવિદ્યા સિવાયની બીજી લૌકિક વિદ્યા અ-વિદ્યા છે. અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે અધ્યાત્મવિદ્યાની અનિવાર્ય આવશ્યકતા છે એ સાચું; પરંતુ દુઃખ, દર્દ, દીનતા, પરવશતા જેવા મૃત્યુના અવશેષોનો અંત આણવા માટે લૌકિક રીતે સમૃદ્ધ થવાની અને લૌકિક વિદ્યાઓનો આધાર લેવાની આવશ્યકતા પણ એટલી જ છે.

એ બંને વિદ્યાઓમાંથી કોઈ પણ વિદ્યાની ઉપેક્ષા કરવા જેવી નથી. એટલે તો ઉપનિષદના સુવિશાળ સાહિત્યભંડારમાં અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે ભૌતિક અને આધ્યાત્મિક, ગૌણ અને ઉત્તમ બંને પ્રકારની વિદ્યાઓ જાણવા જેવી છે. જીવનમાં બંનેનો સમન્વય સાધવાનું આવશ્યક છે: द्वे विद्ये वेदितव्ये परा च अपरा च ।

ભૌતિક ઉત્કર્ષને માટે જેટલું લક્ષ આપવામાં આવે છે તેટલું અથવા તેનાથી થોડુંક લક્ષ પણ માનવતાની માવજત માટે અને જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા માટે આપવામાં આવે તો માનવમનની, વ્યક્તિગત ને સમષ્ટિગત અવ્યવસ્થા અને અશાંતિનો અંત આવે ને જીવન તથા જગત અધિક સુખશાંતિમય, આનંદપ્રદ અને જીવવા જેવું બની જાય.

પરંતુ જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા તથા માવજતને માટે જોઈએ તેટલું ધ્યાન આપવામાં આવતું નથી એટલે સમૃદ્ધિ કે સંપત્તિની વચ્ચે વસવા છતાં માનવનો અંતરાત્મા ઊંડી અશાંતિનો અનુભવ કર્યા કરે છે. એટલું જ નહિ, માનવ જીવે છે તોપણ જીવનનો અક્ષય આનંદ લઈને ચૈતન્ય સાથે, ઉત્સાહ અને રસપૂર્વક નથી જીવી શકતો. એના મુખમંડળ પર, અંતરમાં અને અણુઅણુમાં વિષાદ, ક્લેશ, વિસંવાદિતા અને અશાંતિ દેખાય છે.

દિલ્હીમાં મને થોડાક વખત પહેલાં એક ભાઈ મળેલા. તે અમેરિકાના પ્રવાસેથી તાજેતરમાં જ પાછા ફરેલા. ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આપતાં એક વાર એ પોતાના પ્રશંસાત્મક સ્વરમાં કહેવા લાગ્યા કે ત્યાં ધર્મનું ને માનવતાનું ખૂબ જ સરસ સારગર્ભિત શિક્ષણ આપવામાં આવે છે. મેં તેમને પૂછ્યું કે કેવી રીતે ? તો તેમણે જણાવ્યું કે ત્યાં ઠેકઠેકાણે માનવને એના કર્તવ્યની સ્મૃતિ કરાવતા ને દીક્ષા આપતા સંદેશ લખવામાં આવે છે;

એ સંદેશમાં Duty towards Home, Duty towards the Family; Duty towards Society અને Duty towards Nations. એટલે કે ઘર પ્રત્યેના કર્તવ્યની, કુટુંબ પ્રત્યેના કર્તવ્યની, અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યની યાદ આપવામાં આવે છે. એના પરથી એ દેશ આપણા દેશથી કેટલો મહાન છે, પ્રગતિશીલ છે, અને સંસ્કૃતિ કેટલી બધી ઉદાત્ત છે એનો ખ્યાલ આવે છે. આપણો દેશ તો એની સરખામણીમાં ઘણો જ પછાત છે.

ભારતની વર્તમાન દશા દીન, હીન, દુઃખદ ને પછાત હોય તોપણ એની સંસ્કૃતિ વિશે હલકો અભિપ્રાય આપવાની જરૂર નથી. બધું પરિણામ ભારતની પરંપરાગત પુરાતન સનાતન સંસ્કૃતિને ન સમજવાને લીધે પેદા થયેલું છે. અમેરિકામાં જે સંદેશ સંભળાવવામાં આવે છે તે સારો છે, આદરણીય અને અનુકરણીય છે. ભારતમાં પણ એ સંદેશ સ્વધર્મના નામે આપવામાં આવેલો જ.

એને ભૂલવામાં આવ્યો હોય તો તેમાં દોષ એ સંદેશનો નથી, એને આપનારા સત્પુરૂષોનો ને સંસ્કૃતિપ્રવાહનો પણ નથી, પરંતુ એને ભૂલનારનો છે. ભારતીય સંસ્કૃતિ તો એથીયે આગળ વધીને એક બીજી અગત્યની વાત કરે છે ને મહત્વનો મહામૂલ્યવાન સારસંદેશ સંભળાવે છે કે Duty towards your own self. તમારી પોતાની જાત પ્રત્યેનું તમારું કર્તવ્ય. બીજા બધાં કર્તવ્યોનું પરિપાલન તો માનવે કરવાનું જ છે પરંતુ એનું એના નામ પ્રત્યેનું કર્તવ્યપાલન પણ યાદ રાખવાનું છે.

અમેરિકામાં એની શિક્ષાદીક્ષા નથી આપવામાં આવતી એટલે જ આટલી બધી અશાંતિ, અસ્વસ્થતા અને અવ્યવસ્થા છે. અને એકલા અમેરિકાની જ વાત શા માટે, બીજે બધે પણ જ્યાં-જ્યાં માનવના જીવનમાં અશાંતિ છે ત્યાં-ત્યાં એનું મૂળભૂત કારણ એ જ છે :

પોતાની જાતને, પોતાની અંદર રહેલા આત્માને અથવા પોતાના અસલ સ્વરૂપને ઓળખવાનો અભાવ. માનવ બીજાં બધાં કર્તવ્યોનું અનુષ્ઠાન કરે એ આવશ્યક, આવકારદાયક અથવા અભિનંદનીય છે એની ના નહિ, પરંતુ એની સાથેસાથે પોતાના આત્મવિકાસ પ્રત્યે જાગ્રત રહીને વધારે ને વધારે વિશુદ્ધ બને, ઉદાત્તતા ને ઉત્તમતાથી સંપન્ન બને, ને પોતાની જાતનો સમુચિત વિકાસ સાધીને, પોતાની શક્તિઓનો સમ્યક્ તથા સંપૂર્ણ વિકાસ કરીને પોતાની અંદર રહેલી પરમ સનાતન ચેતનાનો સંપર્ક ને સાક્ષાત્કાર સાધી જીવનમુક્ત, પ્રશાંતિ ને પૂર્ણતાને અનુભવે એ પણ અતિશય આવશ્યક છે. જીવનમાં શ્રેય અને પ્રેયનો-ભૌતિક સમૃદ્ધિ કે સમુન્નતિની સાથે આત્મકલ્યાણ અથવા આત્મોત્કર્ષનો — સુભગ સમન્વય સાધવાની આવશ્યકતા છે.

કેટલાક લોકો ભૌતિક સમૃદ્ધિ કે સુખાકારીને જ સર્વકાંઈ સમજે છે ને આત્મિક ઉન્નતિને મહત્વની નથી માનતા, તો બીજા કેટલાક જીવનમાં એકલી આત્મિક સમુન્નતિ જ સાધવાની હોય ને ભૌતિક સુખાકારી કે સમૃદ્ધિનું મહત્વ જરા પણ ન હોય એવું વલણ અખત્યાર કરે છે. બંને પ્રકારનાં વલણને વ્યવહારુ, અનુકરણીય અને આદર્શ ન કહી શકાય.

જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક — બંને પ્રકારની સમુન્નતિ સાધવાની આવશ્યકતા છે. પંખીની બે પાંખની પેઠે પ્રગતિની એ ઉભયવિધ પાંખ માનવજીવનમાં જરૂરી છે. એમાંથી કોઈ પણ એક પાંખને કાપી નાખવામાં આવે તો જીવન અપંગ અથવા અનાથ બની જાય. આત્મિક અભ્યુત્થાનના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધ્યા પછી મન એમાં જ જોડાયેલું રહે ને સાંસારિક સુખાકારીની પ્રવૃત્તિની ઈચ્છા ન કરે એ સમજી શકાય તેવું છે.

એક વિરલ વ્યક્તિવિશેષને માટે એવી અવસ્થા આદર્શ હોય તોપણ સૌ કોઈને માટે ઉત્તમ, આદર્શ અને અનુકરણીય નથી જ. એમણે તો સમન્વયની સાધનાપદ્ધતિને જ અપનાવવી જોઈએ. એમને માટે એ જ અનુકૂળ અને આશીર્વાદરૂપ થઈ શકે.

માનવો જીવન જીવે છે પરંતુ જીવવું પડે છે માટે. કેટલાંક તો જીવનને બોજો ગણતાં, અભિશાપ સમજતાં, બડબડાટ કરતાં ને પોતાની જાતને, જગતને તથા જગતકર્તાને દોષ દેતાં જીવે છે. કોઈકોઈ તો મૃત્યુની પ્રતીક્ષા કરતાં જીવે છે. એમના જીવનમાં તરવરાટ, તાજગી, સ્ફૂર્તિ, ચેતના, પ્રસન્નતા ને રસમયતાનું દર્શન ભાગ્યે જ થાય છે.

એમની એ દુર્દશા ખૂબ જ દુઃખદ છે. એમાંથી મુક્તિ મેળવવા ને જીવનના સાચા આનંદને અનુભવવા આત્મિક વિકાસની સાધનાને અપનાવવાની અનિવાર્ય આવશ્યકતા છે. એથી જીવનની કાયાપલટ થશે ને જીવનમાં નવો રસ, નવો આનંદ, નવો પ્રાણ ને નવી શાંતિ પેદા થશે. જીવન એક અમૂલખ આશીર્વાદ બનશે અને મંગલ મહોત્સવસમાન સુખદાયક થઈ પડશે. એ પોતાની સમુન્નતિની સાથેસાથે બીજાની પણ સમુન્નતિનું ને સુખાકારીનું સરસ સર્વોત્તમ સાધન બની જશે.

 

ભારત/India,View : 5146

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે