સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અનિલ કપૂર નજીકના ભવિષ્યમાં પોતાની સુપરહિટ નીવડેલી ટીવી સિરિયલ ૨૪ની નવી સીઝન લઇને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.
અગાઉની બંને સીઝન હિટ સાબિત થઇ હતી. આતંકવાદ વિરોધી કથા ધરાવતી આ સિરિયલ મૂળ તો અમેરિકી સર્જન છે. એના રાઇટ્સ ખરીદીને અનિલે એનું સંપૂર્ણપણે ભારતીયકરણ કર્યું હતું જેને મેગાસ્ટરા અમિતાભ બચ્ચને પણ બિરદાવ્યું હતું.
તાજેતરમાં એણે અનિસ બઝ્મીની મુબારકાં ફિલ્મ કરી હતી જેમાં એણે સરદારજી (શીખ)નો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં એનો વાસ્તવ જીવનનો ભત્રીજો અર્જુન કપૂર ફિલ્મમાં પણ ભત્રીજો બન્યો હતો અને અર્જુને ડબલ રોલ કર્યો હતો.
રસપ્રદ વિગત એવી છે કે ચાર પાંચ વર્ષના સમયગાળા બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની નવી સીઝન લઇને આવી રહ્યા છે તો અનિલ કપૂર ૨૪ની નવી સીઝન લઇને આવવાના છે અને આટલું ઓછું હોય તેમ બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાન પોતાની ટેડ ટોક્સ લઇને ટીવી પર રજૂ થવાના છે. આમ બોલિવૂડના ટોચના કલાકારો હવે ટચૂકડા પરદા પર એકબીજાની સ્પર્ધા કરતા દેખાશે.
source: gujaratsamachar