રાજ્યમાં સ્કૂલ કોલેજોમાં શિક્ષકોના કેટલાક પડતર પ્રશ્નો અનેક વર્ષોથી પેન્ડિંગ હતા. ચૂંટણી નજીક આવવાથી સરકારે અનેક રજૂઆત બાદ શુક્રવારે મોટા ભાગના પડતર પ્રશ્નોનો ઉકલે લાવી દીધો છે. ત્યારે હવે કેટલાક સંગઠન સરકાર સામેના આંદોલન બંધ કરી રહ્યા છે તો કેટલાક સંગઠન હજુ બાકીની માંગણીઓને લઈને આંદોલન ચાલુ રાખવાના છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ સંઘના શિક્ષકોએ આંદોલન સમેટ્યું છે પણ ઈજનેરી કોલેજના અધ્યાપકો હજી સરકાર સામે લડી લેવાના મુડમાં છે.
સામી ચૂંટણી હોવાથી કર્મચારીઓની માંગનો ઉકેલ
રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘના 2 લાખ શિક્ષક અને કર્મચારીઓના પડતર પ્રશ્નો હતા, જેમાં ગ્રેડ પે,સળંગ નોકરી,બદલી,સાતમા પગાર પંચના ભથ્થા હતા.આ તમામ પ્રશ્નોના શુક્રવારે સરકાર દ્વારા ઉકેલ લાવીને તમામ માંગણીઓ પુરી કરવામાં આવી છે. માત્ર જૂની પેન્શન યોજના 2005 બાદના કર્મચારીઓને નહિ મળે પરંતુ એક જ માંગણી બાકી હોવાથી શિક્ષકોએ આંદોલન પૂરું કર્યું છે અને શાંતિપૂર્ણ રીતે એક માંગણી માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે.
ઈજનેરી કોલેજના અધ્યાપકો આગામી દિવસમાં વિરોધ
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોનું મંડળ તથા અન્ય મંડળ હજુ જૂની પેન્શન યોજના 2005 બાદના કર્મચારીઓ માટે લાગુ કરવા માટે માંગણી કરી રહ્યું છે.આ માંગણીને લઈને તેઓ મક્કમ ચજે તથા હજુ આગામી દિવસમાં માસ સીએલ તથા કાળા કપડાં અને કાળી પટ્ટી બાંધીને આગામી દિવસમાં વિરોધ કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સંઘના મનોજ પટેલે જણાવ્યું હતું કે 2005 બાદના 200-250 શિક્ષકો છે જેમના માટે અમે રજૂઆત કરીશું પરંતુ અમારું આંદોલન હતું જેમાં અમે માસ સીએલ,અચોક્કસ મુદતની હડતાળ સહિતના કાર્યક્રમ કરવાના હતા તે કાર્યક્રમ હવે અમે રદ કરી રહ્યા છીએ.