ગુજરાતમાં સ્વાઈન ફલૂથી શુક્રવારે વધું 10 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં સ્વાઈન ફલૂથી મૃત્યુઆંક 317ને પાર થઈ ચૂકયો છે જ્યારે 23 દર્દીઓને વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સ્વાઈન ફલૂના નવા 201 કેસ નોંધાયા છે.આમ અત્યાર સુધીમાં 4042 દર્દીઓને સ્વાઈન ફલૂ થયો છે. છેલ્લા આઠ દિવસમાં 1275 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
અત્યાર સુધીમાં કુલ 2367 દર્દીઓ સાજા થયા છે. સરકારે દાવો કર્યો છે કે, શુક્રવારે 23 દર્દી વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર હેઠળ છે. સરકાર દ્વારા આ રોગને લઈ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં દાવો કરાયો હતો કે, રાજ્યમાં સ્વાઈન ફલૂના નિયંત્રણ માટે કામગીરી અસરકારક રીતે થઈ રહી છે.
આરોગ્ય શિક્ષણમાં સ્વાઈન ફલુને બદલે સિઝનલ ફલુ શબ્દ વપરાશે. કેન્દ્રીય તજજ્ઞોની ટીમે જણાવ્યું છે કે, લોકોના માનસ પર બિનજરૃરી ડર અને ભય દૂર થાય તે માટે હવેથી આરોગ્ય શિક્ષણમાં સ્વાઈન ફલૂને બદલે સિઝનલ ફલૂ શબ્દનો ઉપયોગ થાય તે વધુ ઈચ્છનીય છે.
source: sandesh