વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. સંઘના એક સામાન્ય કાર્યકરથી શરૂ થયેલી તેમની સફર મુખ્યમંત્રીપદ અને ત્યાંથી વડાપ્રધાનના હોદ્દા સુધી પહોંચી છે. તેમની કાર્યશૈલીથી લઈને તેમના બાળપણ અંગે ઘણી વાતો લખાઈ ચૂકી છે. તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો એની શરૂઆતના સમયના ઘણા એવા કિસ્સા છે, જે ખૂબ ઓછા લોકો જાણે છે. ત્યારે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે પૂર્વ કૃષિમંત્રી અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તથા પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ દિવ્ય ભાસ્કર સાથે આવા કેટલાક યાદગાર કિસ્સા અને તસવીરો શેર કરી છે.
સંઘાણીએ મોદીને દિલ્હીનું ઘર આપ્યું તો વજુભાઈએ ગુજરાતનું!
આ વાત 1996ની છે, જ્યારે નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનીને દિલ્હી ગયા હતા. તેમને પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની જવાબદારી સોંપાઈ હતી. એ સમયે દિલીપ સંઘાણી સંસદસભ્ય હતા, માટે તેમને દિલ્હીમાં રહેવા સરકારી બંગલો મળ્યો હતો. સંઘાણીએ આ બંગલો રહેવા માટે મોદીને આપી દીધો હતો. આ રીતે જોઈએ તો સંઘાણીએ દિલ્હીમાં મોદીને ઘર આપ્યું. જ્યારે મોદી CM બનીને ગુજરાત આવ્યા તો તેમણે 6 મહિનામાં ધારાસભ્યપદ મેળવવું જરૂરી હતું. આ સમયે વજુભાઈ વાળાએ રાજકોટ-2 બેઠક ખાલી કરી આપી મોદીને રાજકીય ઘર આપ્યું હતું. આ બંને સંબંધ આગળ જતાં ખૂબ જ મજબૂત બન્યા. ઓવર ટુ સંઘાણી અને વાળા.
બેસવામાં સાંકડી પડે એવી ઓરડીમાં મોદી રાત રોકાયા
"નરેન્દ્ર મોદી ખૂબ જ સાલસ, સરળ અને ઘીમાં સાકર ભળી જાય એવા નિર્મળ સ્વભાવના છે. તેમણે ક્યારેય પોતાના હોદ્દાનો રૂઆબ રાખ્યો નથી અને નાનાથી મોટા દરેક કાર્યકરો સાથે હંમેશાં હળીમળીને રહ્યા છે. એકવાર મોદી અમરેલીમાં ચૂંટણીપ્રચારના એક કાર્યક્રમમાં આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મારી સાથે એક નાનકડી ઓરડીમાં રોકાયા હતા. ત્યાં એટલી સંકડાશ હતી કે બેસવાની જગ્યા પણ નહોતી. આરામ કરવા એક જ ઓરડો હતો છતાં નરેન્દ્રભાઈએ સિનિયોરિટી દાખવી ન હતી. તેમણે ફાઈવસ્ટાર હોટલમાં રોકાવાની માગ પણ ન કરી અને એ જ નાની ઓરડીમાં આખી રાત પસાર કરી હતી."
મારી એમ્બેસેડરમાં જતા ચૂંટણીપ્રચાર કરવા
એ સમયે જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે મારી એમ્બેસેડરમાં બેસીને ચૂંટણીપ્રચાર માટે જતા ત્યારે હું ખૂબ જ ધ્યાનપૂર્વક ડ્રાઇવિંગ કરતો હતો. નરેન્દ્રભાઈ મને કહેતા કે આટલી ધીમી ગાડી કેમ હાંકો છો?. 30-40ની સ્પીડમાં દરેક સ્થળે પહોંચી નહીં શકાય, 70-75ની સ્પીડ પકડો. તેમની આવી વાતોથી મારી સાથેના દરેક કાર્યકરો ખુશ થઈ જતા હતા.
જ્યારે કહ્યું, કાર્યાલયને તાળું મારી દો તો ખર્ચ જ ન થાય
નરેન્દ્ર મોદી સ્વભાવે ખૂબ જ હસમુખ..જ્યારે હું ચૂંટણી લડવા તૈયાર થયો એ વખતે અમરેલીના મારા કાર્યાલયમાં ખૂબ જ નાણાભીડ હતી. એ સમયે મેં નરેન્દ્ર મોદીને રજૂઆત કરતાં કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે અમને ચૂંટણીપ્રચાર માટે થોડી સહાય પૂરી પાડો, નહીંતર ઓફિસને તાળું મારી દેવું પડશે. તો તેમણે પ્રત્યુત્તરમાં એવું કહ્યું હતું કે એ સારું, ઓફિસને તાળું જ મારી દો, જેથી કોઈપણ પ્રકારનો ખર્ચ જ ન થાય. આ સાંભળીને બધા કાર્યકરો ખડખડાટ હસી પડ્યા હતા. જોકે તેમણે તાત્કાલિક અસરથી આર્થિક સહાય પૂરી પાડી હતી, જેને કારણે ચૂંટણીપ્રચારમાં ઘણો ફાયદો થયો ને હું મંત્રી બની ગયો.
ફોન કરી મારાં પત્નીને કહ્યું 'દિલીપકુમાર અતિવ્યસ્ત છે?'
અમારી સાથે નરેન્દ્રભાઈનો પરિવારિક સંબંધ છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નિયમિતપણે મારા અને પરિવારજનોના ખબરઅંતર પૂછતા રહેતા. એક સમયે નરેન્દ્ર મોદીએ અમને સહપરિવાર તેમના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રિત કર્યા હતા, પરંતુ એ સમયે હું ખૂબ જ વ્યસ્ત રહેતો હતો અને તેમને જવાબ આપવાનું ચૂકી ગયો ને ભૂલી પણ ગયો. અચાનક એક દિવસ નરેન્દ્રભાઈએ મારાં ધર્મપત્નીને ફોન કરીને કહ્યું કે દિલીપકુમાર અતિવ્યસ્ત છે અને જવાબ પણ આપતા નથી. ત્યારે મારાં પત્ની એવું કહ્યું કે અમારી નાની પુત્રી હાલ મુંબઈ અભ્યાસ કરી રહી છે અને તેને અભ્યાસમાં અડચણ પડશે તો? નરેન્દ્રભાઈએ કહ્યું, કાંઈ વાંધો નહીં... દીકરીને અનુકૂળતા હોય એ સમયે સહપરિવાર ભોજન માટે આવજો....
સતત મિત્રો- મિત્રોના પરિવારજનોની સાથે રહ્યા
આમ, નરેન્દ્ર મોદી સાથે દિલીપ સંઘાણી સાથે અનેક એવા કિસ્સાઓ બન્યા છે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી હોવા છતાં પણ એક સામાન્ય માનવી તરીકે પોતાના મિત્રોના પરિવારજનો સાથે સતત રહ્યા છે અને ક્યારેય પદનું અભિમાન ન દાખવી આત્મજનો સાથે આત્મીયતાથી તેઓ જોડાઈને રહ્યા છે.
એક મગની બે ફાડ જુદી જુદી હોય તોપણ મૂળ તો મગનાં જ હોય!
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીની તાજપોશીના નિર્ણય બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે ગુજરાત વિધાનસભામાં ખાસ સત્રમાં તત્કાલીન અધ્યક્ષ વજુભાઈ વાળાએ એક વાત રજૂ કરી હતી, જે અનુસાર તેમણે વડાપ્રધાનપદે પહોંચેલાં નરેન્દ્ર મોદી અને શંકરસિંહની સરખામણી કરતા કહે છે કે અત્યારે નરેન્દ્રભાઈ અને શંકરસિંહ બંને જુદા જુદા રાજકીય પક્ષોમાં છે, પરંતુ બંને નેતા સંઘના સ્વયંસેવકો છે. બંનેની વિચારધારા એક જ છે, એટલે કે એક મગની બે ફાડ જુદી જુદી હોય તોપણ મૂળ તો મગનાં જ હોય! કાશ્મીરી પંડિતો અને અરુણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીના મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેમણે આગળ કહ્યું હતું કે દેશની આવી સમસ્યાઓની ચિંતા બંને નેતાઓના મનમાં છે.
‘ડાંગે માર્યા પાણી જુદા ન થાય’
રાજકારણમાં પક્ષપલટાને સહજ ગણાવતાં તેમણે કાઠિયાવાડી લહેકામાં કહેવત ટાંકતાં કહ્યું, ‘આજે ભલે બંને જુદા જુદા પક્ષમાં હોય, પરંતુ ‘ડાંગે માર્યા પાણી જુદા ન થાય’. આજ નહીં તો કાલે ભેગા થવાના છે, અત્યારસુધીમાં મોટા ભાગના તો ભેગા થઈ ગયા છે અને બાકી રહી ગયા છે એ આજે નહીં તો કાલે ભેગા થવાના જ છે!