રાજ્યસભા ચૂંટણીમાં સાંસદ એહમદ પટેલને જીત અપાવનાર ગુજરાતના વફાદાર કોંગી ધારાસભ્યો સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રૃબરૃ મળ્યા હતા.
સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં જીત અપાવવા બદલ તમામ ૪૩ ધારાસભ્યોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે બધા જીતીને આવો અને ગુજરાતમાં સરકાર બનાવો, કોંગ્રેસ હાઈકમાન્ડ ધારાસભ્યોની પડખે ઊભો રહેશે અને બનતી તમામ મદદ કરશે.
જે રીતે ધારાસભ્યો એકજૂટ થઈ રાજ્યસભામાં જીત અપાવી તે જ રીતે એકજૂથ રહી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષને જીત અપાવવા તેમણે આહ્વાન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવાની આગેવાનીમાં કોંગીના વફાદાર ધારાસભ્યો સોનિયા-રાહુલને મળ્યાં હતાં.
આ પ્રસંગે સાંસદ એહમદ પટેલ, પ્રભારી અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. સોનિયા ગાંધીએ ધારાસભ્યો સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુફતેગો કરી હતી. કેટલાક ધારાસભ્યોએ હાઈકમાન્ડ સમક્ષ ભાજપ તરફથી મળતી ધમકી, લોભલાલચની વ્યથા ઠાલવી હતી.
સોનિયાએ કહ્યું હતું કે, ગુજરાતને મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૃપ બનાવવા મહેનત કરવી પડશે. જ્યાં સિદ્ધાંતોની લડાઈ લડવામાં આવે છે ત્યાં જનતાના આશીર્વાદ ચોક્કસ મળતાં હોય છે.
ધારાસભ્યોએ એહમદ પટેલના નિવાસે ભોજન લીધું દિલ્હીમાં સોનિયા-રાહુલ સાથેની મુલાકાત બાદ મોડી સાંજે ધારાસભ્યો એહમદ પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ધારાસભ્યોએ એહમદ પટેલના નિવાસે ભોજન લીધું હતું.
source: sandesh