બ્રિટનના લંડન શહેરમાં બે સ્થળે થયેલા આતંકવાદી હુમલામાં કુલ સાત લોકોના મોત થયા છે અને ૫૦થી પણ વધુ ઘાયલ થયા છે. લંડન બ્રિજ પર વાન લઈને આવેલા ત્રણ આતંકવાદીઓએ પહેલા અનેક લોકોને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં તેઓ કાર લઈને બરો માર્કેટ ગયા હતા અને ત્યાં તેમણે 'ધીઝ ઈઝ ફોર અલ્લાહ'ના નારા લગાવીને લોકો પર મોટા ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાના મૃતકોની સંખ્યા હજુયે વધી શકે છે કારણ કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનેક લોકો હોસ્ટિપલમાં સારવાર લઈ રહ્યા છે.
હાલમાં જ માન્ચેસ્ટરમાં એક આત્મઘાતી હુમલાખોરે બોમ્બ વિસ્ફોટ કરીને આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં ૨૨થી વધુ લોકો માર્યા ગયા હતા. લંડન પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ નકલી એક્સપ્લોસિવ સુસાઈડ વેસ્ટ પહેર્યા હતા, જેનો હેતુ ફક્ત લોકોેને ડરાવવાનો હોઈ શકે છે. અમે આ હુમલાને આતંકવાદી કૃત્ય જ ગણ્યું છે અને એ દિશામાં તપાસ હાથ ધરી છે.
આતંકી હુમલા દરમિયાન ગોળીને અનેક અવાજ સાંભળીને આતંકવાદ વિરોધી પોલીસ ફોર્સના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આઠ જ મિનિટમાં ત્રણેય આતંકવાદીને ઠાર માર્યા હતા. જોકે, કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ અમે આ ઘટનામાં વધુ ૧૨ લોકોની ધરપકડ કરી છે. સેન્ટ્રલ લંડનમાં સ્થાનિક સમય પ્રમાણે શનિવારે રાત્રે દસ વાગ્યે આ હુમલો થયો હતો.
આ દરમિયાન બરો માર્કેટ અને લંડન બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો મોજુદ હતા, જેમને પોલીસે 'દોડો, છુપાઈ જાઓ અને બીજાને પણ કહો' એવી અપીલ કરી હતી. આ કારણસર સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
આતંકવાદીઓને ઠાર માર્યા પછી પોલીસે આખો વિસ્તાર સીલ કરીને સર્ચ અને ક્લિન ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત લંડન અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન પણ બંધ કરી દેવાયું છે.
લંડનમાં આઠમી જૂનથી સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જેથી લંડન સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરાયું છે. બ્રિટીશ વડાંપ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે, આ ખૂબ જ ઘૃણાસ્પદ અને કાયરતાભર્યું કૃત્ય છે. આ એક ઘટનાને અમે આતંકવાદી હુમલો ગણીને જ તપાસ હાથ ધરી છે. લંડનના મેયર સાદિક ખાને પણ આ હુમલાને કાયરોનું કૃત્ય ગણાવ્યું છે.
લંડનસ્થિત ભારતીય દૂતાવાસે પણ હુમલામાં ફસાઈ જનારા ભારતીયો માટે પબ્લિક રિસ્પોન્સ યુનિટ ઊભું કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન હુમલાને વખોડી કાઢ્યો છે અને માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
source: gujaratsamachar