વડાપ્રધાન મોદી અમેરિકા સહિત 3 દેશોના વિદેશ પ્રવાસ પર જવા રવાના થયા છે. તેમનો પ્રથમ મુકામ પોર્ટુગલની રાજધાની લિસ્બન હશે. એક દિવસના પ્રવાસ દરમિયાન તેઓ પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા સાથે અનેક દ્વીપક્ષીય મુદ્દા પર વાતચીત કરશે.
આ દરમિયાન બંને દેશો વચ્ચે સાયન્સ અને કલ્ચર સાથે જોડાયેલા કેટલાક કરાર થઈ શકે છે. પોર્ટુગલ જનારા વાજપેયી પ્રથમ પીએમ હતા 2002માં અટલ બિહાર વાજપેયી પોર્ટુગલ જનારા પ્રથમ પીએમ હતા.
જે બાદ ઈન્ડિયા-પોર્ટુગલ ડાયલોગ શરૂ થયું હતું. વાજપેયીના પ્રવાસ બાદ પોર્ટુગલના પીએમ ભારત આવ્યા પરંતુ અહીંયાથી કોઈ પ્રવાસ થયો નહોતો. હવ 17 વર્ષ બાદ મોદી ત્યાં જઈ રહ્યા છે.
મોદી-કોસ્ટાની અગાઉ થઈ ચૂકી છે મુલાકાત પોર્ટુગલના પીએમ કોસ્ટ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભારત આવ્યા હતા. તેઓ પ્રવાસી ભારતીય દિવસ સમારોહના ચીફ ગેસ્ટ હતા. તેમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
કોસ્ટાની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ સહિત 6 એમઓયુ થયા હતા. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની પરમેનેન્ટ મેમ્બરશિપનો સપોર્ટ કરવા માટે મોદીએ પોર્ટુગલના પીએમનો આભાર માન્યો હતો. કોસ્ટાએ તેમની મુલાકાત દરમિયાન પોર્ટુગલના જાણીતા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હસ્તાક્ષરવાળી જર્સી મોદીને ગિફ્ટમાં આપી હતી. કોસ્ટાનું શું છે ભારત કનેકશન એન્ટોનિયા કોસ્ટા ભારતીય મૂળના છે.
તેમના અનેક સંબંધીઓ ગોવાના મડગાંવમાં રહે છે. કોસ્ટાને પરિવારજનો બાબુશના હુલામણા નામે બોલાવે છે. કોંકણીમાં તેનો અર્થ છોકરો થાય છે. એન્ટોનિયા કોસ્ટાના પિતા ઓર્લાંદો ધ કોસ્ટા જાણીતા નોવેલિસ્ટ હતા. તેમણે રવીન્દ્રનાથ ટાગોર પર એક લેખ લખ્યો હતો. ગોવામાં જ્યારે પોર્ટુગલ શાસન હતું ત્યારે ઓર્લાંદો યુવા હતા અને જીવનના અનેક વર્ષો અહીં ગાળ્યા હતા.
પોર્ટુગલમાં આ ગુજરાતી નામ છે બહુ જાણીતું પોર્ટુગલમાં ભારતીય મૂળના 70 હજાર લોકો રહે છે. ત્યાંના ભારતીયોમાં સૌથી વધુ ચર્ચિત નામ કાંતિલાલ જમનાદાસ છે.
તેઓ મૂળ રીતે ગુજરાતના રહેવાસી છે અને પોર્ટુગલમાં બેક્ડ ફૂડ આઈટમ્સની સૌથી મોટી કંપની DanCake ચલાવે છે. લિસ્બનમાં મંદિર બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. ભારતીય મૂળના અબ્દુલ માજિદ અબ્દુલ કરીમ વકીલ પોર્ટુગલની જાણીતી બેંક Banco Efisaના સીઈઓ રહી ચૂક્યા છે.
source: divyabhaskar