અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે બનાસકાંઠા અને પાટણમાં આવેલા પૂર વખતે ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમનો ઓગષ્ટનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો હતો. ત્યારે તેઓ સંભવિત ઓગષ્ટના અંતમાં કે સપ્ટેમ્બરમાં રાજ્યના પ્રવાસે આવશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેઓ 15 સપ્ટેમ્બરે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું જાપાની વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરે એવી સંભાવના છે.
જાપાની વડાપ્રધાન પણ ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સંભવિત સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેનાથી ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધો વધારવા આ મુલાકાત ઘણી મહત્વની બનશે.બંને આ દરમમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડિનર ડિપ્લોમસી કરશે.
ગુજરાતના મુખ્ય સચિવની જાપાન મુલાકાતને પગલે મૂડીરોકાણનો પાયો નંખાયો ગુજરાતના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંગ ગયા મહિને જ જાપાનની મુલાકાતે જઈને આવ્યા છે.
તેમની સાથે ઉદ્યોગ અને ખાણ સચિવ મનોજકુમાર દાસ અને જીઆઈડીસીના એમડી ડી થારા પણ જાપાન ગયા હતા. જ્યાં તેમણે ટોક્યો, ઓશાકા જેવા ચાર મોટા ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગપતિઓને મળીને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે વાતચીત કરી હતી. જાપાનની 20 થી વધુ મોટી અને મધ્યમ કદની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા બતાવી છે.
જેટ્રોનું કદ વધારવા અને અન્ય કંપનીઓનું મૂડીરોકાણ વધારવા થશે ચર્ચા જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતેની જાપાન સરકારની સંસ્થા જેટ્રોનું કદ વધારવા માટે અને ગુજરાત સાથે વધુ મૂડીરોકાણની ચર્ચા વિચારણા કરવા ભારત અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠકો યોજાવાની છે.
દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણની તકો વધુ હોવાથી નરેન્દ્ર મોદી પણ અન્ય વિકસિત દેશોના વડાપ્રધાન સાથેની બેઠકો પણ ગુજરાતમાં જ ગોઠવી રહ્યા છે.
ગુજરાતમાં પૂરની પરિસ્થિતિને પગલે રદ્દ થયો છે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ 12 ઓગસ્ટે આવવાના હતા પરંતુ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા પૂરને પગલે તેમનો કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. તેઓ છેલ્લે પૂર દરમિયાન જ એક દિવસના ટૂંકા પ્રવાસે અમદાવાદ પહોંચી એક ઉચ્ચ સ્તરિત બેઠક યોજ્યા બાદ ધાનેરા પંથકનું હવાઈ નિરિક્ષણ કરીને દિલ્હી પરત ફર્યા હતા.
source: divyabhaskar