હાફિઝ સઇદને આડકતરો સહકાર અને ડોકલામ વિવાદને કારણે દેશના લોકો ચીની બનાવટની વસ્તુનો બહિષ્કાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ચાઇનીઝ વસ્તુ ન વાપરવા કેઇમ્પેનિંગ કરવામાં આવતું હતું, પંરતુ રાજ્યભરમાં ‘સર્વશિક્ષા અભિયાન’ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ચાઇનીઝ બનાવટના ટેબ્લેટ આપવામાં આવશે.
છેલ્લા કેટલાંક સમયથી ચીન અવળચંડાઇ પર ઊતરી આવ્યું છે ખાસ કરીને લશ્કરે તોઇબાના વડા હાફીઝ સઇદને આડકતરી રીતે મદદ કરી રહ્યું છે એટલું જ નહીં ડોકલામમાં પણ સેના મૂકીને ભારત પર દબાણ વધારી રહ્યું છે.
આ ઉપરાંત ચાઇનીસ ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, ટેક્સ્ટાઇલ, કેમિકલ વગેરે સામાન ચાઇના ભારતમાં ડમ્પિંગ કરતા સ્થાનિક ઉદ્યોગોને મરણતોલ ફટકો પડયો છે.
ચાઇનીઝ સામાનના ડમ્પિંગને કારણે લાખો લોકોની રોજગારી છીનવાય છે. આ કારણોસર દેશદાઝ ધરાવતા લોકોએ ચાઇનીઝ સામાનની હોળી કરી હતી.
લોકોએ ચાઇનીઝ સામાન ન વાપરવાની પ્રતિજ્ઞા કરી છે. ફેસબુક, વેટ્સ એપ્સ, ટ્વીટર, ઇન્સટ્રાગ્રામ વગેરે સોશિયલ મીડિયા સાઇડ પર ચાઇનીઝ સામાન વિરુદ્ધ કેમ્પેનિંગ ચાલાવવામાં આવે છે.
એક બાજુ લોકો ચાઇનીઝ સામાનની હોળી કરે છે ત્યારે સરકાર વિદ્યાર્થીઓને ચાઇનીઝ ટેબ્લેટ આપીને ચાઇનીઝ સામાનને પ્રોત્સાહન આપે છે. સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યમાં આવેલી ૭૦ પ્રાથમિક શાળામાં ‘જ્ઞાનકુંજ’ નામે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૨૪૭ માં વિદ્યાર્થીઓને મેડ ઇન ચાઇના બનાવટના ટેબ્લેટ આપવામાં આવશે. લોકો ચાઇનીઝ વસ્તુનો વિરોધ કરે છે ત્યાં સરકાર વિદ્યાર્થીઓને મેડ ઇન ચાઇના ટેબ્લેટનું વિતરણ કરશે.
ટેબ્લેટમાં હાલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. ચાઇનીઝ બનાવટનું તકલાદી ટેબ્લેટ કેટલા દિવસ ચાલશે તે પણ મોટો પ્રશ્ન છે.
source: sandesh