ભારત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ટીઆઈઆર કન્વેંશન પર હસ્તાક્ષર કરનાર 71મો દેશ બન્યો છે. તેનાથી ભારતને દક્ષિણ એશિયા અને તેની પણ બહાર વેપારમાં વધારો કરવામાં મદદ મળી રહેશે. આ સાથે વ્યૂહાત્મક રીતે ભારત વેપાર કેન્દ્ર બને તેવી સંભાવના પણ બળવત્તર બની છે.
ચીજવસ્તુઓના પરિવહન માટેના ટીઆઈઆરનું સંચાલન ઈન્ટરનેશનલ રોડ યુનિયન (આઈઆરયુ) કરે છે. ટીઆઈઆરમાં ભારતના આગમનને આવકારતાં આઈઆરયુના મહામંત્રી ઉમ્બેટો પ્રેટોએ જણાવ્યું હતું કે ભારતને આ સંધિમાં સામેલ થતાં મ્યાંમાર, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાળ સાથે વેપાર કરવામાં સુગમતા રહેશે.
ઉપરાંત ઈરાનના ચાબહાર પોર્ટથી આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં ચીજવસ્તુઓની હેરાફેરી તેમજ અફઘાનિસ્તાન અને તેલ સમૃદ્ધ યુરેશિયા ક્ષેત્ર સુધી ચીજવસ્તુઓના પરિવાહનમાં પણ ભારતને સરળતાનો અનુભવ થશે.
ટીઆઈઆરનો અમલ થતાં વિવિધ આંતરરાષ્ટ્રીય સીમાઓ પર જકાત અને વેરાની ચુકવણી કર્યા વિના જ ચીજવસ્તુઓની અવરજવરનો માર્ગ મોકળો થશે.
ચીનના વન બેલ્ડ વન રોડ (ઓબીઓઆર)નો પ્રતિકાર કરવા માટે ભારત માટે તે મજબૂત શસ્ત્ર તરીકે પણ પુરવાર થશે. આટલું જ નહીં ભારતના ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) અને ચાબહાર પ્રોજેક્ટને પણ તેનાથી નવજીવન મળશે. આ પ્રોજેક્ટ માટે ભારત લાંબા સમયથી કામગીરી બજાવી રહ્યું છે.
આઈએનએસટીસી માર્ગ, સમુદ્રિય તથા રેલવેને આવરી લેતો 7,200 કિમી લાંબો ભૂમિ અને સમુદ્રીય માર્ગ છે. તેનાથી સમય અને ખર્ચમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો થાય છે.. વધુમાં રશિયા, ઈરાન, મધ્ય એશિયા, ભારત અને યુરોપ વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાનો લક્ષ્ય પણ સિદ્ધ થશે.
ફેડરેશન ઓફ ફ્રટ ફોરવર્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના સર્વે મુજબ વર્તમાન માર્ગની તુલનાએ આઈએનએસટીસી 30 ટકા સસ્તો અને 40 ટકા નાનો છે.
source: sandesh