ધોધમાર વરસાદના વિરામ બાદ ફરી રાજ્યમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે. બે દિવસ પહેલાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડયો હતો.
જોકે હાલમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની હોવાની વિગતો સામે આવી છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોવાથી આગામી ૨૭, ૨૮ અને ૨૯ ઓગસ્ટ આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જારી કરી છે.
બીજી તરફ મુશળધાર વરસાદ પડયો હોવા છતાં વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ ઓછું થયું નથી. ભર ચોમાસામાં ગરમી અનુભવાઈ રહીં છે.જેને લઈ નાગરિકો હેરાન-પરેશાન બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચાલુ વર્ષે મોસમનો ૩૫ ઈંચથી વધારે વરસાદ પડયો છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ બાદ ભારે જાનહાનિ થઈ હતી.
જો કે, હવે સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહીં છે. રાજ્યભરમાં ચાલુ વર્ષે મોસમનો ૮૫ ટકા કરતાં વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે.
રાજ્યમાં ૨૭મીથી ૨૯મી સુધી વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને જિલ્લાના તમામ કલેકટરોને હેડક્વાર્ટર નહીં છોડવા માટે આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સારા વરસાદ બાદ હાલ કૃષિપાકનું ચિત્ર પણ ઉજળું બન્યું છે. આ ઉપરાંત નદીઓમાં નવા નીરની આવક થતાં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.
source: sandesh