દિલ્હી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને આપ પાર્ટીના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. દિલ્હી ઉત્તર-પિૃમી દિલ્હીની બવાના વિધાનસભાની બેઠક પર ‘આપ’ પાર્ટીની જીતથી સતત હાર જોતી આપ પાર્ટીમાં નવું જોમ આવ્યું છે. પંજાબ વિધાનસભા, દિલ્હી નગરનિગમની ચૂંટણીમાં આપ પાર્ટી ખરાબ રીતે હારી ગઈ હતી, ત્યારથી આપ પાર્ટીમાં નિરાશાનું વાતાવરણ હતું. આજે બવાના વિધાનસભાની ચૂંટણીનાં પરિણામે મુખ્યમંત્રી કેજરીવાલ અને પાર્ટીમાં જુસ્સો ભરી દીધો છે. ઉલ્લેખનીય છે કે બવાના વિધાનસભાની પેટાચૂંટણી આપ પાર્ટીના વિધાનસભ્ય વેદપ્રકાશે રાજીનામું આપતાં યોજવી પડી હતી.
વેદપ્રકાશ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વેદપ્રકાશને જ પાછી ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા હતા. આ પેટાચૂંટણીમાં આપના ઉમેદવારને ૫૯,૮૮૬ મત, ભાજપને ૩૫,૮૩૪ મત અને કોંગ્રેસને ૩૧,૯૧૯ મત મળ્યા હતા.
આમ ભાજપ અને કોંગ્રેસમાં મતો વહેંચાઈ જતાં આપના ઉમેદવારને સીધો ફાયદો મળ્યો હતો. હવે દિલ્હી વિધાનસભાની ૨૦૨૦માં આવનારી ચૂંટણી માટે આપમાં આત્મવિશ્વાસ વધ્યો છે, જોકે આ ચૂંટણી ભાજપને માટે બોધપાઠરૃપ બની રહેવાની છે. આમ આદમી પાર્ટીની પેટાચૂંટણીનાં જીતનાં આ પાંચ કારણોનો ભાજપે અભ્યાસ કરવો પડે તેમ છે.
૧. પાટલી બદલુ ઉમેદવાર પ્રજાને પસંદ નથી. બવાના પેટાચૂંટણી પ્રજા પર આવવાનું કારણ ભાજપના ઉમેદવાર વેદપ્રકાશ જ હતા. વેદપ્રકાશ આપમાંથી બવાનામાં ચૂંટાયા હતા પરંતુ બે વર્ષમાં તેઓ આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, આથી વિધાનસભ્ય તરીકે પણ તેમણે રાજીનામું આપવું પડયું હોય પેટાચૂંટણી આવી પડી હતી. પેટાચૂંટણી માટે જવાબદાર વેદપ્રકાશને ભાજપે ઉમેદવાર બનાવતાં પ્રજા અકળાઈ ઊઠી હતી અને ભાજપના પાટલીબદલુ ઉમેદવારને ઘેર બેસાડયો હતો.
૨. ગરીબ મતદારો આપ સાથે રહ્યા એમ માનવામાં આવે છે કે આપ સાથે ઓછી આવક ધરાવનારા અને ગ્રામ્ય મતદારો જોડાયેલા છે. બવાના વિધાનસભામાં મોટાભાગના મતદારો આ જ વર્ગમાં આવે છે જેમણે આપ પાર્ટીને વિજય અપાવ્યો.
૩. આપનું પોઝિટિવ કેમ્પેઇન આપ પાર્ટીએ અગાઉની ભૂલનું પુનરાવર્તન પેટાચૂંટણીમાં ન કર્યું. આપ દ્વારા અગાઉની ચૂંટણીઓમાં વડા પ્રધાન મોદી અને ભાજપ વિરોધી પ્રચાર કર્યો હતો જ્યારે બવાનાની પેટાચૂંટણીમાં પોઝિટિવ કેમ્પેઇન પર ભાર મૂક્યો હતો અને કોઈની પણ બુરાઈ કર્યા વિના પોતે કરેલાં કામોની વાતો જ કરી હતી.
૪. મતદારો સાથે સીધો સંવાદ પેટાચૂંટણીમાં આપ પાર્ટીના કાર્યકરોએ મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. મતદારો વચ્ચે જઈને તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરાઈ હતી. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની સરકારના મંત્રીઓ અને નેતાઓને મતદારો વચ્ચે જવાનું કહ્યું હતું જેનું સારું ફળ મળ્યું.
૫. ભાજપે ઉમેદવારની પસંદગીમાં થાપ ખાધી ભાજપના વોટશેરમાં ગત ચૂંટણી કરતાં ઘટાડો નોંધાયો હતો. જેનું કારણ એમ માનવામાં આવે છે કે ભાજપે ચૂંટણીમાં બળવાખોર નેતાને પ્રાધાન્ય આપ્યું અને પોતાના કાર્યકરની અવગણના કરી, જેને કારણે ભાજપના કાર્યકરો નિષ્ક્રિય રહ્યા અને ભાજપે પોતાના જ મત ગુમાવવા પડયા.
source: sandesh