અમેરિકાના સરકારી સૂત્રોના મતે વિદેશ વિભાગે ભારતને 22 પ્રીડેટર ગાર્ડિયન ડ્રોનની નિકાસ માટે જરૂરી લાઇસન્સ આપી દીધું છે. આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલા પહેલી દ્વિપક્ષીય મુલાકાતના થોડાંક જ દિવસમાં ઉઠાવાયું છે. સૂત્રોએ કહ્યું કે વિદેશ વિભાગે ડીએસપી-5 ગાર્ડિયન નિકાસ લાઇસન્સ રજૂ કર્યું છે.
ડીએસપી-5 શ્રેણી લાઇસન્સ સૈન્ય સામગ્રીની સ્થાયી નિકાસ માટે અપાય છે. ગાર્ડિયન ડ્રોનથી હિન્દ મહાસાગાર ક્ષેત્રમાં ભારતની શિપિંગ મોનેટરિંગની ક્ષમતામાં વધારો થશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ડિફેન્સ કો-ઓપરેશનને વધુ મજબૂત બનાવાની વાત કરી હતી.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ એ કહ્યું હતું કે અમેરિકા દક્ષિણ એશિયામાં સુરક્ષા મજબૂત કરવા માટે ભારતને જરૂરી રિસોર્સીસ અને ટેકનોલોજી આપશે. અમેરિકાએ ભારતને સી ગાર્ડિયન યુએવી, અપાચે લડાકુ હેલિકોપ્ટર અને સી-17 પરિવહન વિમાન આપવાની વાત કહી હતી.
source: sandesh