વાપી: 1 મેથી જળસંચયના અભિયાનનો પ્રારંભ થયો હતો. આજે લોક ભાગીદારીથી ચાલેલા આ અભિયાનને સમગ્ર રાજયમાં પ્રતિસાદ મળ્યો છે. ઘણાં વર્ષો પછી ગુજરાતમાં વરસાદ પડતાં જ સારો પાણીનો સંગ્રહ થવાનો છે. પરંતુ વિરોધીઓના પેટમાં તેલ રડાઇ રહ્યું છે. કહે છે કે ચૂંટણીલક્ષી કામગીરી ચાલી રહી છે. જળસંચયમાં તો 2400 કરોડનો ભષ્ટ્રાચાર કરાયો છે, સમગ્ર જળસંચય અભિયાનમાં 200 કરોડ વપરાયા છે તો 2400 કરોડનું કૌભાડ કેવી રીતે થાય. આ શબ્દો વાપી નજીક કરાયા ગામે રવિવારે જળસંચયના કાર્યક્રમમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યા હતાં. વાપી નજીક કરાયા ગામમાં રવિવારે સુજલામ સુફલામ જળસંચય હેઠળ તળાવો ઊંડા કરવાની કામગીરીનો પ્રારંભ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો.
ભાષણની અધવચ્ચે જ માઈક બંધ..
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સંબોધનની શરૂઆતને માત્ર 10 જ મિનિટ થઇ હતી. તેમના ચાલુ પ્રવચને અચાનક માઇક બંધ થઇ ગયું હતુ, માઇક બંધ થતાં જ સૌની નજર માઇક પર ખેંચાઇ હતી. સાંસદ ડો.કે.સી.પટેલ અને વિવેકભાઇ પટેલ સ્ટેજ પરથી નીચે આવી માઇક ઝડપથી ચાલુ કરવા અનુરોધ કર્યો હતો. માઇક બંધ થતાં અધિકારીઓમાં પણ દોડધામ મચી હતી. ખુદ મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં માઇક બંધ થતાં ભારે આશ્વર્ય ફેલાયું હતું.