પ્રદેશ પ્રમુખ સામેની ફરિયાદને આધારે લેવાયો નિર્ણય, પરેશ ધાનાણી, અશ્વિન કોટવાલ, તુષાર ચૌધરી અને શૈલેષ પરમારને જવાબદારી સોંપાશે. રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી તૈયારીનો ઉત્સાહ બેવડાયો છે.
દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી હાઈકમાન્ડે બેઠકોનો દોર ચલાવ્યો છે. આ સંજોગોમાં ગુજરાતમાં હવે આગામી દિવસોમાં સંગઠનનું માળખું જાહેર કરાશે ત્યારે પ્રદેશ પ્રમુખની સાથે હવે ચાર નવા કાર્યકારી પ્રમુખો નીમવામાં આવશે, જેમાં પરેશ ધાનાણી, અશ્વિન કોટવાલ, તુષાર ચૌધરી અને શૈલેષ પરમારને જવાબદારી સોંપવામાં આવશે.
કોંગ્રેસના સૂત્રો દાવો કરે છે કે, આગામી દિવસમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની સાથે હવે ચાર નવા કાર્યકારી પ્રમુખો બનાવાશે. જેમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્ત્વ મળી રહે તે માટે હાઈકમાન્ડે પરેશ ધાનાણી પર પસંદગી ઉતારી છે.
એ જ રીતે આદિવાસી પટ્ટો જાળવી રાખવા, તેને વધુ મજબૂત બનાવવા વિપક્ષી નેતા પદે હાલ તો મોહનસિંહ રાઠવાની વરણી કરાઈ છે પરંતુ સંગઠનમાં કાર્યકારી પ્રમુખ તરીકે વધુ બે આદિવાસી આગેવાનને સ્થાન મળવાનું છે, જેમાં અશ્વિન કોટવાલ અને તુષાર ચૌધરીનું નામ બોલાઈ રહ્યું છે.
જ્યારે દલિત વોટબેંકને રાજી રાખવા શૈલેષ પરમારનું નામ કાર્યકારી પ્રમુખ તરીકે નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ યોજેલી બેઠકમાં આ બાબતને લીલીઝંડી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આગામી દિવસોમાં ચાર કાર્યકારી પ્રમુખોને ઝોન વાઈઝ જવાબદારી આપવામાં આવે તેવો વર્તારો છે. રાહુલ ગાંધીએ નવા સંગઠન માળખામાં યુવાઓને સ્થાન આપવા પર ભાર આપ્યું છે.
એકાદ વર્ષથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર કરાતું નહોતું. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર ટાંટિયા ખેંચમાંથી ઊંચા આવતા નહોતા, જેને કારણે ખુદ હાઈકમાન્ડ પણ મૂંઝવણ અનુભવતું હતું. અલબત્ત, શંકરસિંહ જૂથની બાદબાકી બાદ સંગઠન રચનાનો માર્ગ હવે મોકળો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
source: sandesh