અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન સરમુખત્યાર કિમ જોંગ-ઉન વચ્ચે સિંગાપુરમાં પ્રસ્તાવિત મુલાકાત હજુપણ થઇ શકે છે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ ઉત્તર કોરિયા સાથે ફરીથી મુલાકાતને લઇને વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો મુલાકાત થાય છે તો સ્થળ સિંગાપુર અને તારીખ 12 જૂન જ રહેશે. જોકે, જરૂર પડશે તો તેમણે તારીખ આગળ કરવાની આશંકા પણ દર્શાવી. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કિમ જોંગના નામે લખેલા પત્રમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના ભડકાઉ વલણને કારણે 12 જૂને થનારી મુલાકાત રદ કરી રહ્યા છીએ. જોકે, તેના એક દિવસ પછી જ તેમણે ફરી યોગ્ય સમયે મુલાકાત કરવાની વાત કરી હતી.
રદ કર્યાના બીજા જ દિવસે ટ્રમ્પે દર્શાવી હતી ફરી મુલાકાતની આશા
- ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તરફથી પત્ર જાહેર કર્યા બાદ ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ કિમ જોંગ-ઉનનું નિવેદન પણ જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે કિમ અમેરિકાની સાથે કોઇપણ સંજોગોમાં 12 જૂનની મુલાકાતમાં ભાગ લેવા માંગે છે. ઉત્તર કોરિયાના ઉપ વિદેશ મંત્રી કિમ કાએ-ગ્વાને પણ અમેરિકાના ફેંસલા પર નિરાશા દર્શાવતા કહ્યું હતું કે ક્યારેય પણ અને કોઇપણ પરિસ્થિતિમાં અમેરિકા સાથે મુલાકાત માટે તૈયાર છીએ.
- ઉત્તર કોરિયાના આ જ પગલાંઓ પછી ટ્રમ્પે શુક્રવારે એકવાર ફરી કિમ સાથે મુલાકાતની આશા દર્શાવી. તેમણે સારા વ્યવહાર માટે ઉત્તર કોરિયાની પ્રશંસા પણ કરી હતી. વ્હાઇટ હાઉસે મુલાકાતના આયોજન માટે એક દળને સિંગાપુર પણ મોકલ્યું છે.
શનિવારે બીજીવાર થઇ કિમ અને મૂન જે-ઇનની મુલાકાત
- અમેરિકાના મુલાકાત રદ કરવાના ફેંસલા પછી કિમ જોંગ-ઉને શનિવારે જ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે બીજી વાર ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન (અસૈન્ય ક્ષેત્ર)માં બીજી મુલાકાત કરી હતી. બંનેએ સરહદ પર આવેલા પન્મુંજોમ ગામમાં આશરે 2 કલાક સુધી પરસ્પર સંબંધ વધારવા પર વાતચીત કરી હતી. તેમાં બંનેની વચ્ચે કોરિયાઇ પ્રાયદ્વીપની એકતા, પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અને શાંતિ કરાર પર પણ વાત થઇ.