સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના 3 વિભાગના 1974 કર્મચારી 3થી 40 દિવસથી હડતાળ પર ઊતર્યા
- બીજી તરફ શહેરી વિસ્તારોમાં આંગણવાડીઓ બની આનંદવાડી
- સર્વેલન્સ બંધ થતાં રોગચાળો વધ્યો, દીપડાનાં સગડ મળે છે પણ પકડવાનું કામ બંધ થતાં લોકો ભયમાં
રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પગાર સહિતની જુદી જુદી માગણીના મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવીને આંદોલન શરૂ કર્યું છે. આંગણવાડીના 1172, આરોગ્યના 602 અને વન વિભાગના 200 મળીને કુલ 1974 સરકારી કર્મચારી હડતાળ પર છે. આ કારણથી આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ અને વન વિસ્તારની કામગીરીને અસર થઈ રહી છે.
કુલ 1974 કર્મીઓ હડતાળ ઉપર ઊતર્યા
ગુજરાત સરકારના જુદા જુદા વિભાગમાં કામ કરનારા કર્મચારીઓ અલગ અલગ સમસ્યા અને માગણી પૂરી કરાવવા હડતાળ ઉપર ઊતર્યા છે. જિલ્લામાં આરોગ્ય, આંગણવાડી અને વન વિભાગના કુલ 1974 કર્મીઓ હડતાળ ઉપર ઊતર્યા છે. અનેક રજૂઆતો અને આવેદન આપીને થાકેલા કર્મીઓએ સરકાર સામે બાંયો ચડાવીને લડાયક મુડમાં આવી ગયા છે. આ કારણે ગાંધીનગર ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં 3 વિભાગના 1974 કર્મચારી હડતાળ ઉપર ઊતરી જતાં કામગીરીને અસર રહી છે.
આરોગ્ય : 400 ગામડાંઓનું સ્વાસ્થ્ય જોખમમાં
કર્મચારીઓ : 602
હડતાળના દિવસ : 40
અસર : જિલ્લાનાં 400થી વધુ ગામડામાં આરોગ્યલક્ષી સેવાને અસર થઈ છે. વર્તમાન સમયે ગ્રામ્ય વિસ્તારનાં બાળકો અને સર્ગભાઓની સારવાર, રસીકરણ, ટેકો એપથી થતી કામગીરી, ડોર-ટુ-ટોર સર્વેલન્સ, દવા છંટકાવ સહિતની કામગીરી પર અસર પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં જે ઘરેઘરે લોકોને તાવ, શરદી, ઉધરસ, મલેરિયા સહિતની ચકાસણીને અસર થતાં લોકોને શહેરી વિસ્તારની ખાનગી તેમજ સરકારી હૉસ્પિટલે આવવું પડી રહ્યું છે.
આંગણવાડી : શિક્ષણમાં અચોક્કસ મુદતની રીસેસ પડી
કર્મચારીઓ : 1172
હડતાળના દિવસ : 3
અસર : જિલ્લાના કુલ 13 ઘટકમાંથી લીંબડી, સાયલા, ચોટીલા, મૂળી, લખતર અને ચુડા, આમ 6 તાલુકાની 586 આંગણવાડીની 1172 બહેનોની હડતાળને કારણે ગામડાંનાં બાળકોને પાયાનું, પ્રાથમિક શિક્ષણ અટકી પડ્યું છે. સાથે જ રોજ 20,747 બાળકોને પૌષ્ટિક આહાર મળતો બંધ થઈ ગયો છે. અંદાજે 10 ટકા એવાં બાળકો છે, જેમની સ્થિતિ ખુબ જ ખરાબ છે. આવા બાળકો આંગણવાડીમાં ભરપેટ જમતાં હતાં.
વનવિભાગ : રક્ષિત વનવિસ્તાર રેઢો, ખનન જોરમાં
કર્મચારીઓ : 200
હડતાળના દિવસ : 10
અસર : જિલ્લાના 200થી વધુ વનપાલ અને વનરક્ષકોની હડતાળને કારણે 450.82 ચોરસ કિમી રક્ષિત વન વિસ્તાર રેઢો પડ્યો છે, જેમાં ઘુડખર અને નળસરોવર સહિતનાં અભ્યારણો અને પ્રાણી-પક્ષીના રક્ષણ સામે પ્રશ્નાર્થ મુકાયો છે. થાન સહિતના વિસ્તારોના વન વિભાગના રક્ષિત વીડ પણ ખનીજ માફિયાઓ માટે મોકળું મેદાન બની ગયા છે. બીજી તરફ સાયલા, મૂળી, વઢવાણમાં દીપડો દેખાઈ રહ્યો છે પરંતુ તેને પકડવાની કામગીરી અટકી પડી છે.