ગુજરાત કોંગ્રેસના એક ટોચના નેતાનું ખૂબસૂરત યુવા મહિલા કાર્યકર સાથે પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે. નેતાના ઈલુ ઈલુ પ્રકરણની ગંભીર નોંધ લઈને સોમવારે સંવાદ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટના ડોમ પર જ બંધબારણે સાંસદ એહમદ પટેલ અને પ્રભારી અશોક ગેહલોતને સાથે રાખી પ્રદેશ નેતા સાથે બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ નેતાનો બરોબરનો ઉધડો લેવામાં આવ્યો હતો, પ્રદેશ નેતા પોતાનો પક્ષ મૂકવામાં ગેંગેફેંફેં થતાં રાહુલ ગાંધી વધુ ભડક્યા હતા અને પક્ષમાં આ પ્રકારના ધંધા બંધ કરી દેવા તેમજ હવે પછી આવી કોઈ ફરિયાદ ન આવે તેનું ધ્યાન રાખવા કડક શબ્દોમાં તાકીદ કરી હતી.
ગુજરાત કોંગ્રેસના લગ્ને લગ્ને કુંવારા નેતાનું દેખાવડી મહિલા કાર્યકર સાથે ઈલુ ઈલુનો કિસ્સો કાર્યકરોમાં ચર્ચામાં આવ્યો છે. આ બાબતની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી હતી, જોકે આ નેતા રાહુલ ગાંધીના રિવરફ્રન્ટના કાર્યક્રમની તૈયારીમાં ખૂબ વ્યસ્ત હોવાથી હાઈકમાન્ડે દિલ્હી બોલાવવાનું મુનાસિબ માન્યું ન હતું.
એટલું જ નહીં પરંતુ ખુદ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા હોઈ તે જ વખતે આ મામલે રૃબરૃમાં ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, સોમવારે સાંજે રિવરફ્રન્ટના ડોમ પર રાહુલે આ પ્રદેશ નેતા સાથે અડધો કલાક બેઠક યોજી બરોબરના ખખડાવ્યા હતા. નેતાની ઈશ્ક મિજાજીનું પ્રકરણ બહાર આવતાં સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસના મહિલા મોરચાની પણ પાંખી હાજરી જોવા મળી હતી, આ બાબતે પણ રાહુલે ખફગી વ્યક્ત કરી હોવાનું સૂત્રો કહે છે.
વડોદરાના કોંગી આગેવાને યુવતી મોકલી નેતાને ખુશ કર્યા! ઈલુ ઈલુ કાંડ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે હવે નવી ચર્ચા શરૃ થઈ છે, જે મુજબ વડોદરાના એક સિનિયર કોંગ્રેસી આગેવાને ઈશ્ક મિજાજી પ્રદેશ નેતાને ખુશ કરવા માટે યુવતીને મોકલી હતી. સિનિયર કોંગી આગેવાનની આ હરકતને લઈ કાર્યકરો થૂ થૂ કરી રહ્યા છે.
પ્રેમ-પ્રકરણ મુદ્દે પ્રદેશ પ્રમુખે ચુપ્પી સાધી પ્રદેશ કોંગ્રેસના નેતાના ઈલુ ઈલુ પ્રકરણની ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી છે, પણ પ્રદેશ કક્ષાએ આ ફરિયાદ આવી છે કે કેમ ? આ સવાલ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પૂછવામાં આવ્યો હતો, જોકે આ મુદ્દે તેમણે કોઈ જ પ્રતિક્રિયા આપી ન હતી.
source: sandesh