છેલ્લા પાંચથી પણ વધુ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહેલા ઇરફાન પઠાણે ખુલાસો કર્યો છે કે, ટીમના સાથી ખેલાડીઓ તેની પ્રગતિની ઈર્ષા કરતા હતા.
જ્યારે હું ત્રીજા નંબરે બેટિંગમાં ઊતરતો ત્યારે સાથી ખેલાડીઓ મારા પર રોષે ભરાઈ કહેતા કે આને કેમ ત્રીજા નંબરે બેટિંગમાં ઊતાર્યો છે. સાથી ખેલાડીઓ એમ કહેતા કે, તું સુંદર પણ નથી તેમ છતાં તેને આટલું મહત્ત્વ કેમ અપાય છે.
ઇરફાને કહ્યું કે, નેટ પ્રેક્ટિસ દરમિયાન સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ મારી ઘણી પ્રશંસા કરતા હતા. સચિન કહેતો હતો કે, મારા જેવો સ્વિંગ બોલર જોયો નથી. લક્ષ્મણ કહેતો હતો કે, નેટ પર મારો સામનો કરવાનો મતલબ પોતાના ઘૂંટણ બચાવવાનો છે.
ઇરફાને આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેનબરામાં બનેલી ઘટનાને પણ યાદ કરી હતી. આ ઘટના સ્ટીવ વો સાથે બની હતી. ઇરફાને કહ્યું કે, એક દિવસ અચાનકથી દરવાજો બંધ કરી દીધો હતો. મને ખ્યાલ નહોતો કે, તેની પાછળ સ્ટીવ વો ઊભો છે.
ઇરફાને કહ્યું જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સ્ટીવ વોને જોયો હતો. મેં વોને પડેલી મુશ્કેલી અંગે માફી માગી હતી. તે વખતે તેમણે કહ્યું કે, તમે મેદાન પર મને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી ચૂક્યા છે અહીં તો મુશ્કેલીમાં ન પાડો.
આટલું કહ્યા બાદ સ્ટીવ વો હસી પડયો હતો. ઇરફાને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ બે ઓક્ટોબર, 2012ના રોજ રમી હતી જે સાઉથ આફ્રિકા સામેની ટી-20 મેચ હતી. ઇરફાને ભારત તરફથી 20 ટેસ્ટ, 120 વન-ડે અને 24 ટી-20 મેચ રમી છે.
આ રીતે ઇરફાને કુલ 173 ઇન્ટરનેશનલ મેચમાં 301 વિકેટ ઝડપી છે. તેણે પોતાની અંતિમ વન-ડે ચાર ઓગસ્ટ 2012ના રોજ શ્રીલંકા સામે અને અંતિમ ટેસ્ટ ત્રણ એપ્રિલ 2009ના રોજ સાઉથ આફ્રિકા સામે રમી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇરફાને પ્રશંસા કરનાર સચિન અને લક્ષ્મણનું નામ જણાવ્યું હતું પરંતુ કયા ખેલાડીઓ તેની પ્રગતિની ઈર્ષા કરતા હતા તેઓના નામ આપ્યા નહોતા.
source: sandesh