સાઉદી અરેબિયામાં વિશ્વભરના મુસ્લિમ નેતાઓને સંબોધન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈ વિશ્વના બધા ધર્મો વચ્ચેની લડાઈ નથી.
આ લડાઈ જઘન્ય ગુનાખોરી કરનારા લોકો સામેની લડાઈ છે, જે માણસ જાતનો સંહાર કરે છે. જે કોઈ લોકો નિર્દોષોનું રક્ષણ કરે છે એ બધાનો તેઓ ખાત્મો કરવા માંગે છે.
રિયાધમાં આજથી આરબ ઇસ્લામિક શિખર સંમેલન યોજાયું છે, જેમાં ૫૪થી પણ વધારે દેશોના મુસ્લિમ નેતાઓને ભાગ લીધો છે. આ સંમેલનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધની લડાઈ સારપ અને દુષ્ટતા વચ્ચેની લડાઈ છે. વિશ્વના બધા જ દેશોના ધાર્મિક નેતાઓએ આ સ્પષ્ટતા કરવી જોઈએ. કત્લેઆમ કરવાથી તમને નામના નહીં મળે.
જો તમે આતંકવાદનો માર્ગ પસંદ કરશો તો તમારું જીવન ખાલી થઈ જશે. હું કંઈ અહીંયા ભાષણબાજી કરવા નથી આવ્યો એમ કહેતા ટ્રમ્પે કહ્યું હતું કે, હું એવું પણ નથી કહેવા માંગતો કે બીજા લોકોએ કેવી રીતે જીવવું જોઈએ. કેવી રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ. અમે તો અહીં ભાગીદારી કરવા આવ્યા છીએ. આ ભાગીદારી એકબીજાના લાભ અને મૂલ્યો પર આધારિત છે.
અમેરિકા તમારી સાથે જ છે, પરંતુ આતંકને ખતમ કરવા માટે તમારે અમેરિકાની રાહ જોવાની જરૃર નથી. તમારે નક્કી કરવાનું છે કે આપણે આપણા બાળકો માટે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ.
આ દરમિયાન ટ્રમ્પે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલ અને ઓપેક દેશોના વડા તેમજ પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલમાં સાઉદી અરેબિયા સહિત બહેરિન, કુવૈત, ઓમાન, કતાર અને યુએઈનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ સહિત વ્હાઈટ હાઉસ સ્ટાફના તલવાર ડાન્સનો વીડિયો વાયરલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયાની મુલાકાત વખતે મુરબ્બા પેલેસ બહાર પરંપરાગત તલવાર ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન ટ્રમ્પ સહિત સાઉદી રાજવી પરિવારના તમામ સભ્યો હળવા મૂડમાં જોવા મળ્યા હતા. તલવાર ડાન્સમાં વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. સાઉદીની સંસ્કૃતિમાં આ ડાન્સ 'અરધા'ના નામે ઓળખાય છે.
અરધા કરતી વખતે ટ્રમ્પ અત્યંત ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. ટ્રમ્પની સાથે વ્હાઈટ હાઉસના ચિફ સ્ટ્રેટેજિસ્ટ સ્ટિફન બેનન, ટિફ ઓફ સ્ટાફ રેન્સ પ્રિબુસ અને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના હેડ ગેરી કોહને પણ તલવાર ડાન્સ કર્યો હતો.
શાહી ભોજન પહેલાં કરાયેલા આ નૃત્યમાં તમામ લોકોએ સાઉદીનો પરંપરાગત પોષાક પહેર્યો હતો. આ તલવાર ડાન્સનો વીડિયો અમેરિકા સહિત વિશ્વભરમાં વાયરલ થઈ ગયો છે.
source: gujaratsamachar