અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વનો guja શનિવારથી પ્રારંભ થવા સાથે લોકો ફેસ્ટિવલ મૂડમાં આવી જશે. કાલથી સરકારી, ખાનગી કચેરીઓ, બેન્કો, સ્કૂલ-કોલેજમાં રજા શરૃ થતી હોય લોકો મેળામાં મહાલવા સૌરાષ્ટ્ર તરફ ઊપડી જશે.
શ્રાવણ માસના તહેવાર સામાન્ય રીતે નાગપાંચમથી ગણાય છે. નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, સાતમ અને આઠમે કૃષ્ણ ભગવાનના પ્રાગટય દિનની લોકો શ્રદ્ધાભેર ઉજવણી કરશે.
કૃષ્ણ ભગવાનના આગમનને વધાવવા લોકો આતૂર બન્યાં છે. મંદિરોમાં કૃષ્ણને પારણામાં ઝુલાવાશે અને પંજરી તથા મિસરીનો પ્રસાદ વહેંચાશે. રાંધણ છઠ્ઠના દિવસે ઘરે ઘેર પૂરી, થેપલાં, સક્કરપારા, ફાફડા, સેવ, ગાંઠિયા સહિતની વસ્તુઓ બનશે. સાતમના દિવસે ટાઢું ભોજન આરોગીને આઠમે ઉપવાસ કરશે.
શહેરમાં રાયપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. મંદિરોમાં રોશની કરાશે. જ્યારે બાપુનગર વિસ્તારમાં ગરબાની મોજ જામશે. દર વર્ષની માફક આ વર્ષે દિલ્હી દરવાજાની બહાર મેળો યોજાશે. જેમાં નગરજનો ઊમટી પડશે.
તે સિવાય રાજકોટ-સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી અને મેળાનું મહત્ત્વ વધુ હોય મોટાભાગના લોકો કાલથી સૌરાષ્ટ્ર તરફ ઊપડી જશે. આ ઉપરાંત ફરવાના શોખીનો અંબાજી, બહુચરાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, નર્મદા ડેમ, પોળોના જંગલ ઉપરાંત ગોવા, મહાબળેશ્વર, પંચગીની, મસૂરી, રાજસ્થાન તરફ ફરવા ઊપડી જશે. કાલથી પાંચ દિવસ નગરજનો હરવા, ફરવા, ખાવા, પીવામાં વિતાવશે.
source: sandesh