ભારતમાં બેઠા બેઠા પોતાની જાતને અમેરિકાના કર અધિકારી અથવા તો ઇમિગ્રેશન ઓફિસર બતાવી સમગ્ર અમેરિકામાંથી સેંકડો લોકો સાથે કરોડો ડોલરની છેતરપીંડી કરનાર અને કોલ સેન્ટર ચલાવવામાં અગત્યની ભૂમિકા ભજવવા બદલ ૨૮ વર્ષના એક વધુ ગુજરાતીએ પોતાનો ગુનો કબુલ્યો હતો.
તાજેતરમાં ન્યુજર્સીમાં રહી ચુકેલા હર્ષ પટેલ સેંકડો અમેરિકનોને છેતરી ગુનાની કબુલાત કરનાર ત્રીજો ગુજરાતી છે. અત્યાર સુધી પટેલ અને ૫૦ ઉપરાંત આરોપીઓ અને ગુજરાતમાં આવેલા પાંચ કોલ સેન્ટરો સામે ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં તેમની કથિત ભૂમિકા બદલ કેસ કરવામાં આવ્યા હતા.
હર્ષ પટેલે ટેકસાસના દક્ષિણી જિલ્લાના જજ ડેવિડ હિટનર સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો હતો. તેમની સજા સાત ઓગસ્ટ ૨૦૧૭માં જાહેર કરાશે. પટેલના કબુલાત મુજબ, પટેલ અને તેમના સાથીઓ એક ખૂબ જ ગુંચવણફરી સ્કિમ બનાવતા જેમાં અમદાવાદસ્થિત કોલ સેન્ટરોમાંથી કોલરો પોતાની જાતને અમેરિકાના કર અધિકારી અથવા મહેસુલ સેવા અથવા તો ઇમિગ્રેશન અધિકારી બતાવી સમગ્ર અમેરિકામાંથી નિર્દોષ લોકોને ભોગ બનાવી કરોડો ડોલર તેમની પાસેથી પડાવતા હતા.
ડેટા બ્રોકર્સ અને અન્ય સ્ત્રોતો પાસેથી માહિતી મેળવી કોલ સેન્ટર ઓપરેટર અમેરિકન નાગરિકોને સરકરાને આપવામાં તેમના બાકીના લેણા નહીં ચૂકવો તો તેમની ધરપકડ કરાશે , જેલ, દંડ અથવા તો અમેરિકામાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. જાન્યુઆરી ૨૦૧૫થી પટેલ ન્યુજર્સી, કેલિફોર્નિયા અને ઇલિનોઇસમાંથી ઓપરેટ કરી રનરનની ભૂમિકા ભજવતો હતો.
આ કૌભાંડમાં ગુનો કબુલનાર હર્ષ ત્રીજો ગુજરાતી છે. અગાઉ ૪૩ વર્ષના ભરત પટેલે પણ ફ્રોડ અને મની લોન્ડરિંગમાં પોતાની ભૂમિકાની કબુલાત કરી હતી. ત્યાર પછી ૨૮ વર્ષના અશ્વિન ચૌધરીએ પણ વિવિધ ટેલિફોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં પોતાના ભૂમિકાની કબુલાત કરી હતી.
source: gujaratsamachar