કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે તેઝ એપ લોન્ચ કરી હતી. આ એપ સરળતાથી એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. રોકડની ચુકવણી કરવા જેટલી સરળતાથી તેઝ મારફત વ્યવહાર કરી શકાશે.
તેઝ ગુજરાતી અને અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, કન્નડ, મરાઠી, તામિલ અને તેલુગુમાં ઉપલબ્ધ છે. એપ માટે ગૂગલે એક્સિસ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે સહયોગ સાધ્યો છે.
ગૂગલની આ નવી સેવામાં કેશ મોડ રાખવામાં આવ્યું છે જેમાં બેન્કની વિગતો કે ફોન-નંબર શેર કર્યા વગર ચુકવણી કરી શકાય છે. ઓડિયો QR કોડ નામની આ ટેક્નોલોજીમાં નિયર ફીલ્ડ કમ્યુનિકેશનનો તથા અલ્ટ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ થાય છે.
ફોનના માઇક્રોફોન અને સ્પીકર દ્વારા બે ફોન સાંકળીને નાણાંની લેવડ-દેવડ શક્ય બને છે. વેપારીઓ પણ તેઝનો ઉપયોગ કરી શકશે અને એપ મારફત પેમેન્ટ પ્રાપ્ત કરી શકશે.
જોકે ગ્રાહકો જેની સાથે વ્યવહાર કરતા હશે એવા બિઝનેસ જ એનો ઉપયોગ કરી શકશે. આમ સ્પામિંગ માટે એનો વપરાશ શક્ય બનશે નહીં. ખાસ ઓફર લોન્ચ ઓફર તરીકે ગૂગલ તેઝ પર કોઈ ફ્રેન્ડને ઇન્વાઇટ કરવાના 51 રૂ. મળશે.
આમાં તમે ઇચ્છો તેટલા લોકોને ઇન્વાઇટ કરી શકશો પણ એની મહત્તમ સીમા 9,000 રૂ. જ છે. આ ઓફર 1 એપ્રિલ, 2018 સુધી જ ઉપલબ્ધ છે.
આ સિવાય જો તમે પહેલાં અઠવાડિયે 50 રૂ.થી વધારે પેમેન્ટ કરશો તો તમને સ્ક્રેચ કાર્ડ મળશે અને એની મદદથી લકી ડ્રોમાં એક લાખ રૂ. જીતવાની તક મળશે.
source: sandesh