ઓણ સાલ કૃષિ પેદાશો મોટા પ્રમાણમાં થઈ છે અને સરકારે મગફળી,તુવેરની ખરીદી બંધ કર્યા બાદ હવે તા.૧૫થી ઘંઉની ટેકાના ભાવથી ખરીદી કરવાનો નિર્ણય આજે જાહેર કરાયો છે જ્યારે આજે માર્કેટયાર્ડના સૂત્રો અનુસાર ઘંઉના ભાવ શરુઆતમાં રૃ।.૩૨૫થી ૫૦૦ની આસપાસ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં આજે પણ ઘંઉ તેમજ મરચા,ધાણા, જીરુ સહિતના મસાલા વગેરેની ખરીદી સમગ્ર વર્ષ માટે કરાતી હોય છે અને આ ખરીદી હોળી-ધુળેટી પછી શરુ થઈને મે માસ સુધી ચાલતી હોય છે.
તા.૧૫ માર્ચથી તા.૩૧ મે સુધી આ ખરીદી રાજકોટ જિલ્લાના રાજકોટ,ઉપલેટા, જેતપુર, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, પડધરી અને રાજકોટ ગ્રામ્ય તથા ધોરાજી એ ૧૦ કેન્દ્રો તથા મોરબી જિલ્લાના મોરબી, માળીયામિયાણા, હળવદ અને વાંકાનેર ખાતે રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉનો તથા સંબંધિત યાર્ડ ખાતે ખરીદી કરાશે તેમ જણાવાયું છે.
ઘંઉના ટેકાનો ભાવ ક્વિન્ટલ (૨૦ કિલો)ના રૃ।.૧૬૨૫ એટલે કે ૨૦ કિલોના રૃ।.૩૨૫ નક્કી કરાયા છે. જો કે આ ભાવે ચાલુ વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન ઉત્પાદિત ઘંઉ માટે અપાશે અને તેના પૂરાવા રૃપે ખેડૂતો પાસે ઘંઉનું વાવેતર દર્શાવ્યું હોય તેવા ૭-૧૨ના ઉતારાની નકલ તથા ૮અના ઉતારાની નકલ અને ખેડૂતપોથી સાથે લાવવા પણ જણાવાયું છે.
વળી, આ ઘંઉ માટે ખેડૂતોને નિગમના ગોડાઉન મેનેજરનો સંપર્ક સાધીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું કહ્યું છે જે રજીસ્ટ્રેશન કરવા ખેડૂતો સામાન્ય રીતે ટેવાયેલા હોતા નથી.
ઉપરાંત ઘંઉ સ્વચ્છ અને ભેજરહિત હોય અને યુનિફોર્મ સ્પેશીફીકેશન મૂજબ હોય તો જ રૃ।.૩૨૫ના ભાવ ચૂકવાશે તેમ જણાવી દેવાયું છે જે અન્વયે રાજકોટ માર્કેટયાર્ડનો સંપર્ક સાધતા આજે યાર્ડમાં ૩૦ હજાર મણ ઘંઉની આવક થઈ હતી અને આ આવક વધીને ૧ લાખ મણ સુધી પહોંચવા સંભવ છે. હાલ ઘંઉના ભાવ રૃ।.૩૦૦થી રૃ।.૫૦૦ સુધીના છે. જો કે માલ વધતા ભાવ ઘટવા અનુમાન છે.
source: gujaratsamachar