ગુજરાતમાં પ્રારંભે જ ચોમાસુ જામ્યુ છે. ચારેક દિવસ સુધી રાજ્યભરમાં મેઘરાજ મન મૂકીને એવા વરસ્યાં કે, ચારેકોર પાણી પાણી થયુ છે. ભારે વરસાદને લીધે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘણાં વિસ્તારોમાં મગફળી અને કપાસના પાકને નુકશાન પહોંચ્યુ છે.
આ કારણોસર ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં ભારે વરસાદ વરસતાં ઉત્તર ગુજરાતમાં ડિસા સહિતના વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકને નુકશાન પહોંચ્યુ છે.
ખેતરોમાં મગફળીના ઉભો પાક વરસાદમાં ધોવાયો છે. જયારે ઘણાં ખેતરોમાં કાઢેલી મગફળી વરસાદી પાણીમાં પલડી ગઇ છે. બાજરીના પૂળા પર વરસાદી પાણીમાં ભિંજાઇ જતાં ખેડૂતોને નુકશાન વેઠવુ પડયું છે.
ભાવનગર, અમરેલી , રાજકોટ , જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ ખેતરોમાં મગફળીનું વાવેતર કરી દીધુ હતુ . ખેતરોમાં કુંપણો ફુટી પણ ભારે વરસાદ વરસતાં વાવણી માથે પડી છે. બીજી તરફ, ઘણાં વિસ્તારોમાં પંદરેક દિવસ પહેલાં વરસાદ વરસ્યો પણ ઉઘાડ નીકળ્યો પછી કુંપણો સુકાઇ ગઇ.
આમ, ખેડૂતોને મોંઘુ બિયારણ લાવી વાવેતર કર્યું પણ બધુય માથે પડયું છે. ખેડૂતોનું કહેવું છેેેકે, રોજના રૃા.૨૫૦ લેખે મજૂરી આપીને ખેતરોમાં બિયારણ વાવ્યુ પણ બધુય નિષ્ફળ ગયું છે પરિણામે બે-ત્રણ વાર બિયારણ વાવવુ પડયું છે. આમ, બિયારણમાં ઘણો ખર્ચ કરવો પડયો છે.
source: gujaratsamachar