સુરેન્દ્રનગર સમગ્ર રાજયની ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના શિક્ષકો સહિતના સ્ટાફને સાતમુ પગાર પંચ હજુ સુધી મળ્યુ નથી. આથી શિક્ષક સંઘો દ્વારા વિવિધ કાર્યક્રમો કરી માંગણી કરાય છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના શિક્ષકોએ કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે મૌન ધરણાનો કાર્યક્રમ કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સાતમુ પગાર પંચ જાહેર થયા બાદ રાજય સરકાર અનેક વિભાગોમાં સાતમુ પગાર પંચ અમલી કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યુ છે. ત્યારે સાતમા પગાર પંચ સહિત પડતર પ્રશ્નો ન સંતોષાતા સમગ્ર રાજયના ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના શિક્ષકો લાલઘૂમ બન્યા છે.
કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી મૌન ધરણાં સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરી શિક્ષકો દ્વારા મંગળવારે અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યા અને જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલને લેખિત આવેદનપત્ર પાઠવ્યુ હતુ.
આ ઉપરાંત એક કલાક માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે શિક્ષકોએ મૌન ધરણા કર્યા હતા.આ પ્રસંગે શિક્ષક આગેવાનો સહદેવસિંહ પરમાર, રામદેવસિંહ પરમાર, ભીખાભાઇ દેવૈયા, ઋત્વીકભાઇ મકવાણા, હસમુખસિંહ પરમાર સહિતનાઓના જણાવાયા મુજબ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી રજૂઆતો કરવા છતાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલોમાં સાતમા પગાર પંચનો અમલ થતો નથી. આથી ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.
આ પ્રશ્નોનો તાકિદે ઉકેલ નહી આવે ત આગામી તા. 17ના રોજ જિલ્લાના તમામ શિક્ષકો સામૂહિક માસ સીએલ પર જનાર છે. જયારે તા. 10 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના શિક્ષકો મહારેલી યોજશે.
source: divyabhaskar