સુરતમાં તિરંગા યાત્રામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

201629Aug
સુરતમાં તિરંગા યાત્રામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

 - કોંગ્રેસના કોર્પોરેટર કાળા વાવટા ફરકવવા જતાં ઘર્ષણ
- તિરંગા રસ્તા પર ફેંકી હુમલો કરતાં સ્વ બચાવ માટે પ્રતિકાર કર્યા

- ભાજપ યાત્રામાં પ્રશ્નો રજુ કરવા ગયા તો પોલીસની લાઠીથી હુમલો કર્યો : કોંગ્રેસ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

સુરતના વરાછામાં ભાજપની તિરંગા યાત્રામાં કાળા વાવટા ફરકાવવા ગયેલા કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના નેતા-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારીમાં ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરે પોલીસના દંડા લઈને માર મારતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ સામ સામે રાષ્ટ્રધ્વજના અપમાનની ફરિયાદ સાથે આક્ષેપો કર્યા છે.

સુરતના વરાછાના અશ્વનીકુમાર રોડ પરથી ભાજપની તિરંગા યાત્રા નિકળી હતી ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયા અને તેમના સાથી કોર્પોરેટરો કેટલાક કાર્યકરો સાથે કાળા વાવાટા લઈ ઉભા રહ્યાં હતા. ભાજપની યાત્રા સામે કાળા વાવટા ફરકાવ્યા બાદ બોલાચાલી થતાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી, કોર્પોરેટર પ્રવિણ ઘોઘારી અને અન્ય કાર્યકરોએ પોલીસના દંડા ખેંચીને કોંગ્રસના કાર્યકરોને માર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તો સામા પક્ષે ધારાસભ્ય કુમાર કાનાણીએ કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો હતો કે, લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના થાય તે માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. રૃટ પર યાત્રા ચાલી રહી હતી ત્યારે દિનેશ કાછડિયા કેટલાક અસામાજિક તત્વો સાથે કાળા વાવટા લઈ આવ્યા હતા. અને ભાજપના કાર્યકરોના હાથમાંથી તિરંગા જમીન પર ફેંકી કાર્યકરો અન પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેથી સ્વ બચાવમાં પ્રતિકાર કરવો પડયો હતો.

તિરંગા યાત્રાનો વિરોધ કરવામાં કોંગ્રેસમાં જ બે ભાગ પડી ગયા

- મોટાભાગના નેતાઓ કાછડિયાની વાતને પબ્લીસીટી સ્ટંટ ગણે છે તો એક ગુ્રપ વિરોધ પ્રદર્શનને યોગ્ય ગણે છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,રવિવાર
ભાજપની તિરંગા યાત્રામાં વિરોધ કોંગ્રેસના કોર્પોરેટરે કર્યો તેમ છતાં આ વિરોધમાં બે ભાગ પડી ગયાં છે. કોંગ્રેસનું એક ગુ્રપ કાછડિયાના વિરોધ પ્રદર્શનને ચૂંટણી માટેના ધખારા ગણે છે, જ્યારે બીજુ ગુ્રપ આ વિરોધ પ્રદર્શનને યોગ્ય ગણી રહ્યું છે. પરંતુ વિરોધ પ્રદર્શનને યોગ્ય ગણનારાનું કોંગ્રેસનું જુથ નાનું છે. જ્યારે કાછડિયાનો વિરોધ કરી રહેલું ગુ્રપ મોટું છે.

પાટીદાર ઈફેક્ટના કારણે વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ બદલઈ શકે તે માટે અનેક કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવા થનગની રહ્યાં છે તેમના એક દિનેશ કાછડિયા છે. કેટલાક મુદ્દા ઉચકીને તેઓ વિરોધ કરે છે પરંતુ તેને કોંગ્રેસમાં જ સમર્થન મળતું નથી. કેટલાક મુદ્દાઓના વિરોધમાં તેમને પ્રસિધ્ધિ મળી છે પરંતુ પ્રશ્નનું નિરાકરણ થયું નથી. જેના કારણે કોંગ્રેસના જ મોટાભાગના નેતાઓ કાછડિયાની વાતને પબ્લીસીટી સ્ટંટ ગણે છે. આજે પણ વિરોધ પ્રદર્શન પાછળ પબ્લીસીટી સ્ટંટ હોવાનું કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યું છે. આમ આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસમાં જ બે ભાગ પડી ગયાં છે.

ભાજપના બે ધારાસભ્ય અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,રવિવાર
તિરંગા યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પર લાઠીથી હુમલો કરનારા ભાજપના બે ધારાસભ્ય, કોર્પોરેટર અને અન્ય કાર્યકર મળી છ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોર્પોરેટર દિનેશ કાછડિયાએ વરાછા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, ઉત્તરના ધારાસભ્ય અજય ચોકસી, કોર્પોરેટર પ્રવિણ ઘોઘારી, ભાજપના ત્રણ કાર્યકર મહેન્દ્ર દેસાઈ, મનહર વોરા અને મનોજ લોટવાલાના નામ છે. જેમાં રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવા તથા લાકડીથી માર મારીને હુમલો કરવાનું જણાવવામાં આવ્યું છે.

Source : Gujart Samachar

અન્ય/Other,View : 825

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.