સિંધુ ચૂકી, ઓકુહારાએ ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

201728Aug
સિંધુ ચૂકી, ઓકુહારાએ ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

પી.વી. સિંધુની આશા પર પાણી ફેરવતાં જાપાનની નોઝોમી ઓકુહારાએ ૨૧-૧૯, ૨૦-૨૨, ૨૨-૨૦થી પરાજય આપી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ જીતી હતી. સિંધુ પાસે પણ ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતવાની તક હતી પરંતુ ફાઇનલમાં હારતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

ઓકુહારાએ સેમિફાઇનલમાં સાઇના નહેવાલને હરાવી હતી જ્યારે ફાઇનલમાં સિંધુને હરાવી હતી. પ્રથમ સેટમાં ઓકુહારાએ ૫-૩ની લીડ મેળવી હતી પરંતુ સિંધુએ જોરાદાર લડત આપી સતત આઠ પોઇન્ટ મેળવી ૧૧-૫ની લીડ મેળવી લીધી હતી.

ઓકુહારાએ પણ મેચમાં લડત આપતાં ૧૪-૧૪ની બરાબરી મેળવી લીધી હતી. ઓકુહારાએ બે ભૂલ કરતાં સિંધુએ ૧૬-૧૪ની લીડ મેળવી હતી. ઓકુહારા અને સિંધુ વચ્ચે ત્યારાબાદ રસાકસી જોવા મળતાં બંને ૧૮-૧૮થી બરાબરી પર પહોંચી ગઈ હતી. તે પછી ઓકુહારાએ સિંધુને તક આપ્યા વિના પ્રથમ સેટ ૨૧-૧૯થી જીતી લીધો હતો.

બીજો સેટ : બીજા સેટમાં સિંધુએ શરૃઆતથી જ આક્રમક રમત દર્શાવતાં ૫-૧ની સરસાઈ મેળવી લીધી હતી. તે પછી સિંધુએ સતત લીડ જાળવી રાખતાં ૯-૩થી આગળ થઈ ગઈ હતી. ઓકુહારાએ ત્યારબાદ ગેમમાં પરત ફરતાં ૧૨-૧૨ની બરાબરી કરી લીધી હતી.

બંને ખેલાડીઓ ૧-૧ પોઇન્ટ માટે સંઘર્ષ કરી રહ્યા હતા જેને કારણે બંને ૨૦-૨૦ની બરાબરી પર પહોંચી ગઈ હતી. સિંધુએ ત્યારબાદ સતત બે પોઇન્ટ મેળવી બીજો સેટ ૨૨-૨૦થી જીતી લીધો હતો.

ત્રીજો સેટ: ત્રીજા સેટમાં ઓકુહારાએ સિંધુને બેકફૂટ પર ધકેલતાં ૫-૧ની લીડ મેળવી લીધી હતી પરંતુ સિંધુએ ઓકુહારાને જોરદાર ટક્કર આપતાં ૯-૯ની બરાબરી કરી લીધી હતી. સિંધુ અને ઓકુહારા બંને હાર માનવા તૈયાર નહોતા જેને કારણે બંને ૧૫-૧૫થી બરાબરી પર પહોંચી ગઈ હતી.

સિંધુએ ૧૯-૧૭ની લીડ મેળવી હતી પરંતુ ઓકુહારાએ પણ સતત બે પોઇન્ટ મેળવતાં બંને ૧૯-૧૯ની બરાબરી પર પહોંચી ગઈ હતી. બંને તે પછી ૨૦-૨૦ની બરાબરી પર હતા ત્યારે ઓકુહારાએ સતત બે પોઇન્ટ જીતી ત્રીજો સેટ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો.

ફાઇનલમાં પહોંચનાર બીજી ભારતીય પીવી સિંધુ ફાઇનલમાં પહોંચનાર બીજી ભારતીય ખેલાડી બની હતી. આ પહેલાં વર્ષ ૨૦૧૫માં સાઇના નહેવાલ પણ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ તે વખતે કેરોલિના મારિન સામે હારી ગઈ હતી.

હવે આ વખતે સિંધુનો પણ ફાઇનલમાં પરાજય થતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ત્રીજો મેડલ છે. આ પહેલાં સિંધુ વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં બ્રોન્ઝ મેડલ જીતી હતી.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 441

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses