કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને જનતાદળ યુના સાંસદોએ રૂપિયા ૫૦૦ અને ૨,૦૦૦ની બે પ્રકારની નોટ દેશમાં છાપવામાં આવી રહી હોવાનો ગંભીર આરોપ રાજ્યસભામાં સરકાર પર મૂકયો હતો.
તાજેતરમાં બિહારમાં ભાજપ સાથે હાથ મિલાવનાર જદયુના સાંસદ શરદ યાદવે કેટલીક ચલણી નોટોની કોપી રજૂ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને નોટબંધી બાદ સરકારે બહાર પાડેલી રૂપિયા ૫૦૦ની નોટ અલગ અલગ સાઇઝમાં છપાતી હોવાનો આરોપ મૂકતાં કેટલીક નોટો રજૂ કરી હતી.
ઓબ્રાયને નાણામંત્રી અરૂણ જેટલીને નોટો બતાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે, દેશમાં બે પ્રકારની ચલણી નોટ છપાઇ રહી છે.
એક સત્તાધારી પાર્ટી માટે અને બીજી અન્યો માટે. આજે અમને ખબર પડી કે શા માટે સરકારે નોટબંધીનું પગલું લીધું. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે આરોપ મૂક્યો હતો કે, આ વર્તમાન સદીનું સૌથી મોટું કૌભાંડ છે. સરકારને પાંચ મિનિટ પણ સત્તા પર રહેવાનો અધિકાર નથી.
જદયુના સાંસદ શરદ યાદવે જણાવ્યું હતું કે, વિશ્વમાં કોઇ દેશ એક નાની અને એક મોટી એમ બે પ્રકારની ચલણી નોટ છાપતો નથી. હું આવી ચલણી નોટો પર મારા હસ્તાક્ષર કરીને આપી શકું છું.
કોંગ્રેસના આનંદ શર્માએ જણાવ્યું હતું કે, દેશમાં બજારમાં ફરતી ચલણી નોટો સામે પડકાર ઊભો થયો છે. રાજ્યસભાની કાર્યવાહી એક કલાકમાં ચાર વાર મોકૂફ કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોની નારાબાજીના કારણે ઉપાધ્યક્ષ પી. જે. કુરિયનને રાજ્યસભાની કાર્યવાહી એક કલાકમાં ચાર વાર સ્થગિત કરવી પડી હતી.
પહેલાં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં નોટાના ઉપયોગના મામલે ધાંધલ મચાવી હતી. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ વેલમાં ધસી જઇ ચલણી નોટોના મુદ્દે નારાબાજી કરી હતી.
કાગળનો કોઇપણ ટુકડો દર્શાવવાથી પોઇન્ટ ઓફ ઓર્ડર થઇ જતો નથી : જેટલી રાજ્યસભાના નેતા અને નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, વિપક્ષ ઝીરો અવરની કાર્યવાહી ખોરવી નાખવા માટે ફાલતુ મુદ્દાઓ ઉઠાવી રહ્યો છે. નિયમોમાં એવી કોઇ જોગવાઇ નથી કે કોઇપણ સાંસદ કાગળનો કોઇપણ ટુકડો દર્શાવે અને તે પોઇન્ટ ઓફ ઓર્ડર થઇ જાય.
source: sandesh