વંથલી તાલુકાના વાડલા ફાટક નજીક આજે અજાણ્યા શખ્સોએ બાઈકની ડેકી તોડી તેમાં રાખેલી ૭.૫૦ લાખ ભરેલી થેલીની ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ થતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ડુંગરી ગામના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા વિઠલભાઈ મોહનભાઈ ચનીયારા નામના પ્રૌઢ આજે પોતાના બુલેટની ડેકીમાં ૭.૫૦ લાખ રૃપીયા રાખી વંથલી જૂનાગઢ હાઈવે પર જઈ રહ્યા હતાં અને વાડલા ફાટક પાસે તેઓ બાઈક ઉભુ રાખી ડેરી ખાતે છાશ લેવા ગયા હતાં. એ દરમ્યાન અજાણ્યા શખ્સોએ બુલેટની ડેકી તોડી તેમાંથી ૭.૫૦ લાખ રૃપિયા ભરેલી થેલીની ઉઠાંતરી કરી નાસી ગયા હતાં.
વિઠલભાઈ છાશલઈ પરત આવતા બાઈકની ડેકીનો લોક તૂટેલો હતો. તેમજ રોકડ ભરેલી થેલી પણ ગાયબ હતી. આથી તેઓને ઉઠાંતરી થયાની જાણ થઈ હતી. તેઓએ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જઈ ૭.૫૦ લાખની ઉઠાંતરીની ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગઠીયાઓએ બાઈક સવારનો પીછો કર્યો હતો. અને જેવું બાઈક પાર્ક થયું ત્યાં જ રોકડની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતાં. અગાઉ ઝાંઝરડા રોડ પરથી પણ સ્કુટરની ડેકી તોડી રોકડની ઉઠાંતરી થઈ હતી. સી.સી.ટી.વી.માં ઘટના કેદ થઈ હતી. પરંતુ હજુ કોઈ શખ્સો પકડાયા ન હતાં.
source: gujaratsamachar