વલસાડ પાસે અકસ્માતમાં NRI દંપતી સહિત 6નાં મોત, બીલીમોરાના તમાકુવાલા પરિવારે જીવન આધાર ગુમાવ્યો

201721Jan
વલસાડ પાસે અકસ્માતમાં NRI દંપતી સહિત 6નાં મોત, બીલીમોરાના તમાકુવાલા પરિવારે જીવન આધાર ગુમાવ્યો

વલસાડ નજીકના સરોધી હાઇવે પર શુક્રવારે વહેલી સવારે સુરત તરફના લેન પરથી પસાર થતી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા, કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ મુંબઇ તરફના લેન પર ફંગોળાઇને એક ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઇને ઊંધી વળી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં, કારમાં સવાર કેનેડાના એન.આર.આઇ. દંપતી, તેમની બીલીમોરા રહેતી ભાવી પુત્રવધૂ સહિત કુલ ૬ જણાનાં સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં.

મૂળ નવસારીના એરૃ છાપરારોડ, ડિવાઇન સ્કૂલની સામે અને હાલ કેનેડામાં વસતા પ્રકાશલાલ નગીનદાસ પસ્તાગીયા, (ઉ.વ.૬૧)ના પુત્ર નિકેશના લગ્ન બીલીમોરા સૌરભ ચાલમાં રહેતી અંકિતા હસમુખભાઇ ગાંધી, (ઉ.વ.૨૩) સાથે નિરધાર્યા હોય, એન.આર.આઇ. દંપતી પ્રકાશલાલ અને પત્ની મીનાક્ષીબેન પસ્તાગીયા, (ઉ.વ.૫૦) કેનેડાથી વિમાન આજે મળસકે મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, તેમને લેવા માટે અંકિતા પોતાના મામા આનંદભાઇ ઠાકોરલાલ ગાંધી (તમાકુવાલા), (ઉ.વ.૪૭), પિતરાઇ બહેન માનસી આનંદભાઇ ગાંધી, (ઉ.વ.૨૦) સાથે એન્જોય કાર (નં. જીજે-૧૫-સીડી-૮૩૫૧)માં પહોંચ્યા હતાં.

એન.આર.આઇ. પરિવારને લઇને બીલીમોરા જઇ રહેલી કાર વલસાડ નજીકના સરોધી હાઇવે પરના પુલ અને યુ.પી. ધાબા વચ્ચેથી પસાર થતી હતી તે સમયે કારના ચાલક મિલન હસમુખભાઇ પટેલ, (ઉ.વ.૨૩), રહે.

નવસારીએ અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા, કાર ડિવાઇડર કુદાવી મુંબઇ તરફના લેન પર ભારત બેન્જ ટેમ્પો (નં. જીજે-૦૫-બીટી-૨૧૫૮) સાથે અથડાઇ પડયા બાદ ઊંધી વળી ગઇ હતી. આ ભયાનક અકસ્માતમાં, કારમાં સવાર તમામ ૬ જણાના, માથા તથા શરીરના અન્ય જગ્યાએ ગંભીર ઇજા થતાં, સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં.

પારનેરાપારડી હાઇવે પર, સુગર ફેકટરી પાસે ઉભેલા કન્ટેઇનરમાં બાઈક ઘૂસી જતા,અબ્રામા ખાતે રહેતા મુબારકઅલી તૈયબઅલી ચૌધરી, શરાફતઅલી તથા સજનઅલી મહમદ મેરાજ ચૌધરી નું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ધરમપુર ઓવરબ્રીજ પાસે સર્જાયેલા અકસ્માતમાં વલસાડના નવેરા ગામના યોગેશભાઇ ખુશાલભાઇ પટેલ અને જયનીશ રમેશભાઇ પટેલ (રહે.ઓઝર, તા.વલસાડ)નું મોત થયું હતું.

પુત્રના લગ્નની તૈયારી માટે કેનેડાનું દંપતી ભારત આવી પહોંચ્યુ હતું: ભાવિ સાસુ-સસરાને લેવા બીલીમોરાની યુવતી પોતાના મામા તથા પિતરાઇ બહેન સાથે કારમાં ગઇ હતી બીલીમોરાના તમાકુવાલા પરિવારે જીવન આધાર ગુમાવ્યો બીલીમોરાના જૂના ગોલવાડ ખાતે રહેતા આનંદકુમાર ઠાકોરભાઇ ગાંધી (તમાકુવાલા) તેમની દીકરી માનસી ગાંધી અને ભાણેજ વહુ અંકિતા ગાંધી સાથે કેનેડાથી પરત ફરી રહેલા તેમના બેન મીનાક્ષીબેન અને બનેવી પ્રકાશભાઇ પસ્તાકિયાને લેવા માટે મુંબઇ એરપોર્ટ ગયા હતા.

જેઓ મુંબઇથી પરત ફરી રહ્યા હતા, ત્યારે નેશનલ હાઇવે નં. ૮ પર સરોંધી ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આનંદકુમાર બીલીમોરાના ગંગામાતા મંદિર પાસે સ્થિત જૂની ગલીમાં તમાકુની દુકાન ધરાવતા હતા. જ્યારે તેમની દીકરી માનસી બીલીમોરાની કોલેજમાં બી.સી.એ. ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

પિતા-પુત્રીના મોતથી તમાકુવાલા પરિવારમાં તેમના પત્ની મીનાબેન અને તેમનો દીકરો કેનિલે જીવન આધાર ગુમાવતા તમાકુવાલા પરિવારમાં શોકની કાલિમા છવાઇ હતી.

નાના પુત્રના લગ્નના કોડ સાથે નવસારી આવતું પસ્તાગિયા દંપતી કેનેડા ગયું હતું તે જ તારીખે કાળનો કોળિયો બન્યાં નવસારીના છાપરા ગામે આવેલા શુભમ્ પાર્કમાં રહેતા પ્રકાશભાઈ નગીનભાઇ પસ્તાગિયા વલસાડની અતુલ કંપનીમાં નોકરી કરતા હતા. પ્રકાશભાઇનો મોટો દીકરો કુણાલ થોડા વર્ષો અગાઉ કેનેડામાં સ્થાયી થયો હતો.

દરમિયાન પ્રકાશભાઇના નાના દીકરા મીંકેશ ઉર્ફે મીકીની કેનેડાની ફાઇલ ખુલતા તે પણ કેનેડા પહોંચ્યો હતો. જ્યારે ગત વર્ષે ૨૦મી જાન્યુઆરી ૨૦૧૬ ના રોજ પ્રકાશભાઇ અને તેમના પત્ની મીનાક્ષીબેન પસ્તાગિયા બંને કેનેડા ગયા હતા. આ બાજુ મીકીના લગ્ન નવસારીના બીલીમોરા સ્થિત સોરાબ ચાલ ખાતે રહેતી અંકિતા હસમુખભાઇ ગાંધી (ઉ.વ. ૨૩) સાથે નક્કી કર્યા હતા.

જેથી પુત્રના લગ્નના કોડ સાથે પસ્તાગિયા દંપતી કેનેડાથી ૧ વર્ષ બાદ આજે ૨૦મીના રોજ વહેલી સવારે નવસારી પરત ફરી રહ્યું હતું. જેમને મીનાક્ષીબેનના ભાઇ આનંદકુમાર ગાંધી (તમાકુવાલા) અને તેમની દીકરી માનસી તેમજ પ્રકાશભાઇના નાના દીકરાની થનારી નવવધૂ અંકિતા હસમુખભાઇ ગાંધી વલસાડથી કાર ભાડે કરી મુંબઇ એરપોર્ટ પર રિસિવ કરવા ગયા હતા.

જ્યાંથી પરત ફરતી વખતે ડુંગરીના સરોંધી ખાતે અચાનક તેમની કાર ડિવાઇડર ફંગોળીને સામેથી આવતા ટેમ્પોમાં ભટકાતા તમામના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા. જેની ખબર નવસારી પહોંચતા જ પસ્તાગિયા પરિવારમાં માતમ ફેલાયો હતો.

પસ્તાગિયા દંપતીના મોતના સમાચારથી પ્રકાશભાઇના માતાને આઘાત લાગતા તેમને પણ આજે સવારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં ફસાઇ ગયેલા બે મૃતદેહોની ખોપરીનો ભૂક્કો થઇ ગયો સરોધી હાઇવે પર વહેલી સવારે ૭-૦૦ વાગ્યે સર્જાયેલો અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો સંપૂર્ણ ભૂક્કો બોલી ગયો હતો અને તેના દરવાજા ટેમ્પોમાં ભેરવાઇ જતા, ડ્રાઈવર મિલન પટેલ તથા અંકિતા ગાંધીના મૃતદેહો કારની અંદર ફસાઇ ગયાં હતાં.

બંને મૃતદેહોને બહાર કાઢવા, ગેસ કટર સહિતના સાધનોની મદદથી દરવાજો કાપવાની ફરજ પડી હતી. કાર અને ટેમ્પોની ટક્કર એટલી ભયાનક હતી કે, બંને મૃતદેહોની તો ખોપરી જ તહેસનહેસ થઇ ગઇ હતી. પુત્ર ૩ દિવસ પછી આવવાનો હોય બચી ગયો મળતી માહિતી મુજબ, એન.આર.આઇ. પ્રકાશલાલ પસ્તાગીયાના પુત્ર નિકેશના લગ્ન બીલીમોરાની માનસી ગાંધી સાથે આવતા મહિને નક્કી થયેલ હોય, લગ્નની તૈયારી માટે તેઓ કેનેડાથી આવ્યા. તેમનો પુત્ર નિકેશ ૩ દિવસ પછી આવવાનો છે.

જો કે, શુભ પ્રસંગ પાર પડે તે પહેલા જ માતા પિતા અને વાગદત્તાનું મોત નીપજતા, લગ્નનો આનંદ માતમમાં પરિણમ્યો હતો. સદનસીબે મીકીનું આવવાનું પાછું ઠેલાયું હતું નવસારીના પસ્તાકિયા દંપતીના વલસાડના સરોંધી ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મોત થતા ગાંધી પરિવારમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.

માતા-પિતાના મોતની ખબર કેનેડા સ્થિત તેમના બંને પુત્રો કુણાલ અને મીકીને મળતા જ તેઓ પણ કેનેડાથી ભારત આવવા નીકળી પડયા હતા. . ઉલ્લેખનિય છે કે મીકી પસ્તાગિયા પણ પહેલા તેના માતા-પિતા સાથે જ આવવાનો હતો, જોકે બાદમાં કોઇક કારણસર એનંુ આવવાનું બે દિવસ પાછળ ઠેલાયું હતું પરંતુ હવે પ્રકાશભાઇના બંને દીકરાઓ રવિવારે નવસારી પહોંચશે.

અકસ્માતમાં ભોગ બનેલા પિતા-પુત્રીની અંતિમયાત્રામાં બીલીમોરા હિબકે ચડયું નેશનલ હાઇવે નં. ૮ પર વલસાડના સરોંધી ગામ પાસે આજે વહેલી સવારે કાર અને ટેમ્પો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં નવસારી અને બીલીમોરાના ગાંધી પરિવારની ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ જણાના કરુણ મોત નીપજ્યા હતા.

જેમાં આજે સાંજે બીલીમોરાના જૂના ગોલવાડમાં રહેતા આનંદકુમાર અને તેમની દીકરી માનસી ગાંધીના મૃતદેહ ઘરે આવતા જ પરિવારજનો ધ્રુસ્કે ચડયા હતા. ગમગીન વાતાવારણ વચ્ચે પિતા-પુત્રીની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ગાંધી સમાજ સાથે મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા હતા. બીજી તરફ સોરાબ ચાલમાં રહેતી અંકિતાનો મૃતદેહ પણ ઘરે પહોંચતા જ તેના માતા-પિતા, બે બહેનો અને ભાઇના આક્રંદથી ઉપસ્થિતોની આંખો પણ ભીની થઇ હતી.

બીલીમોરાના ગાંધી પરિવારના ત્રણેયની અંતિમ યાત્રામાં જાણે બીલીમોરા હિબકે ચડયું હોય અને અંતિમ યાત્રામાં જોડાયું હોય એવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે કૈલાશ ધામ સ્મશાન ભૂમિમાં પણ જનમેદની જોવા મળી હતી.

પસ્તાગિયા દંપતીના મૃતદેહ નવસારીની પારસી હોસ્પિટલમાં કોેલ્ડ સ્ટોરેજમાં રખાયા છે. લગ્ન જીવનના સમણા ભરેલી અંકિતાની આંખો મીંચાઇ ગઇ બીલીમોરા શહેરની સોરાબ ચાલમાં રહેતા હસમુખભાઇની દીકરી અંકિતા (ઉ. વ. ૨૩) ના લગ્ન નવસારીના છાપરા ગામે શુભમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ પસ્તાગિયાના દીકરા મીકી સાથે નક્કી થયા હતા.

અંકિતા અને મીકીના લગ્ન ૨૨મી ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ નિરધાર્યા હતા. જેથી ગત રોજ સાંજે કેનેડાથી પરત ફરી રહેલા તેના સસરા પ્રકાશભાઇ અને સાસુ મીનાક્ષીબેન પસ્તાગિયાને લેવા માટે મામા સસરા સાથે અંકિતા પણ મુંબઇ એરપોર્ટ ગઇ હતી.

જ્યાંથી આજે વહેલી સવારે નવસારી પરત ફરતી વખતે સરોંધી પાસે તેમની કારને અકસ્માત નડતા લગ્ન અને લગ્ન જીવનના શમણા ભરેલી અંકિતાની આંખો પણ સદાને માટે મીંચાઇ ગઇ હતી.

અંકિતા બીલીમોરાની કોન્વેન્ટ શાળામાં ધોરણ ૧૨ સુધી ભણી હતી. જ્યારે તેના પિતા બીલીમોરા એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજીની દુકાન ધરાવે છે. હસમુખભાઇની ત્રણ દીકરીઓમાંથી અંકિતા સૌથી નાની હતી અને અભ્યાસ બાદ અંકિતા તેમના પિતાને દુકાને મદદરૃપ પણ થતી હતી. પરંતુ સરોંધી પાસેના ગોઝારા અકસ્માતમાં વહાલસોયી દીકરીના મોતથી ગાંધી પરિવાર શોકની ગર્તામાં ધકેલાયો હતો.

 

source: sandesh

વલસાડ/Valsad,View : 456

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.