વલસાડમાં હવસખોરોથી બચવા મહિલાએ નિર્વસ્ત્ર દોટ મૂકી અને …

201731Mar
વલસાડમાં હવસખોરોથી બચવા મહિલાએ નિર્વસ્ત્ર દોટ મૂકી અને …

વલસાડ જેવા શાંતિપ્રિય વિસ્તારમાં બનેલી એક આંચકારૃપ ઘટનામાં શહેરના ગાંધી લાઇબ્રેરી નજીક આવેલ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ માસૂમ પુત્રની દેખભાળ માટે હોસ્પિટલમાં રોકાયેલી યુવાન અને દેખાવડી મહિલાને મળસકે બે અજાણ્યા ઇસમોએ, તમારા પતિને અકસ્માત થયો છે અને કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમ કહીં વિશ્વાસ સંપાદિત કરીને બાઇક પર બેસાડી, શહેરના ડિસ્પેન્સરી રોડ પર અવાવરું ગલીમાં લઇ જઇ દુષ્કર્મનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હતો.

હવસખોરોથી બચવા મહિલા નિર્વસ્ત્ર હાલતમાં નજીકમાં આવેલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં દોડી જતા તેની આબરૃ લૂંટાતા બચી ગઇ હોવાની ચોંકાવનારી ઘટના ઉજાગર થઇ છે.

વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના સૂત્રના જણાવ્યાનુસાર, ગત મંગળવારે મળસકે ૪-૩૦ વાગ્યાના સુમારે એક સુંદર મહિલા નિર્વસ્ત્ર હાલતમાં અચાનક મ્યુનિસિપલ હોસ્પિટલની અંદર ઘૂસી આવી હતી અને દર્દીના સંબંધી દંપતીને, બે ઇસમો તેની લાજ લૂંટવાને ઇરાદે પાછળ પડયા હોવાનું જણાવ્યું હતું. ચોંકી ઉઠેલ દંપતી પૈકી મહિલાએ પોતાનાં કપડાં આપીને તેનું તન ઢાંકી, હોસ્પિટલની આયાને બોલાવી હતી.

જે દરમિયાન બાઇકસવાર ૨ ઇસમો અંધારાનો લાભ લઇ ભાગી છૂટયા હતાં. હોસ્પિટલમાં હાજર દંપતી તથા આયા ઉપરાંત હોસ્પિટલના અન્ય સ્ટાફે નિઃસહાય મહિલાને હૈયાધરપત આપી પૂછપરછ કરતાં, વલસાડમાં મહિલાઓની સલામતી સામે પ્રશ્નાર્થ ખડો કરતી ઘટના પ્રકાશમાં આવી હતી.

વલસાડથી ડુંગરી તરફના રોડ પર આવેલ એક ગામમાં રહેતી મહિલાના જણાવ્યાનુસાર, તેના ૮ માસના પુત્રને સારવારાર્થે વલસાડની ગાંધી લાઇબ્રેરી નજીક આવેલી એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પતિની નોકરી ચાલુ હોય, મહિલા જ હોસ્પિટલમાં રાત્રી રોકાણ કરતી હતી.

મંગળવારે મળસકે ૪-૦૦ વાગ્યાના સુમારે સફેદ રંગની એક્ટિવા બાઇક પર હોસ્પિટલમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ મહિલાને તેના પતિના બાઇક નંબર સહિતની વિગતો જણાવી, પતિને એક્સિડેન્ટ થયું છે અને તેમને ગંભીર હાલતમાં કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમ જણાવતાં, ગભરાઇ ગયેલી મહિલાને બાઇક પર બેસી જવા કહ્યું હતું.

અજાણ્યા ઇસમોની વાતમાં આવીને મહિલા બાઇક પર બેસી જતા જ, નરાધમોએ બાઇકને ડિસ્પેન્સરી રોડ ખાતે આવેલ વલ્લાની ગલીમાં લઇ ગયાં હતાં. દિવસમાં પણ જ્યાં લોકોની અવરજવર નહિવત હોય છે તે વિસ્તારમાં મળસકે અંધકારમાં બંને વરૃઓએ પારેવાની જેમ ફફડી રહેલ મહિલા સાથે દુષ્કર્મ કરવાને ઇરાદે નિર્વસ્ત્ર કરી દેતાં, તેણીએ બૂમાબૂમ કરી હતી, પરંતુ રાત્રીના નિરવ અંધકારમાં તેને બચાવવા કોઇ આવ્યું નહીં.

હવસખોરોની ચુંગાલમાં ફસાયેલી મહિલાએ યેનકેન પ્રકારે પોતાને છોડાવીને નજીકમાં આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ તરફ દોટ મૂકતા, નરાધમો તેની પાછળ પડયા હતા. જો કે, મહિલા હોસ્પિટલની અંદર ઘૂસી જતાં તેની ઇજ્જત લૂંટાતા સહેજમાં બચી ગઇ.

મહિલાએ હોસ્પિટલમાં બૂમાબૂમ કરતા નરાધમો ભાગી છૂટયા હતા. જો કે, જતા-જતા તેઓ મહિલાના કપડાં તથા મોબાઇલ ફોન સાથે લઇ ગયાં હતાં. હોસ્પિટલમાં હાજર લોકોએ મહિલાના પતિને જાણ કરી બોલાવી લીધા હતાં. ઘટના અંગે જો કે, હજી સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું છે.

 

source: sandesh

વલસાડ/Valsad,ગુનો/Crime,View : 542

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.