વડોદરા દુમાડ ગામની સીમમાં આવેલા ફેકટરી માલિક પ્રવિણ ઇશ્વર પટેલના હિરાબાગ ફાર્મના બગીચામાં તીન પત્તીનો જુગાર રમતાં વડોદરા શહેરના 11 વેપારીઓ અને ઉદ્યોગપતિ તથા બિલ્ડર ઝડપાઇ ગયા હતા.
પોલીસે ફાર્મહાઉસમાં રખાયેલો દારૂનો જથ્થો પણ કબજે કર્યો હતો. પોલીસે પાંચ વૈભવી કાર અને એક મોટર સાઇકલ મળીને 34.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાંચ વૈભવી કાર સાથે 11 બિલ્ડર અને ઉદ્યોગપતિઓ ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ દુમાડ ગામની સીમમાં વડોદરા સાવલી રોડ પર આવેલા પ્રવિણ ઇશ્વરભાઇ પટેલ (રહે, કદમનગર, મહેસાણાનગર)ના હિરાબાગ ફાર્મમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પીઆઇ ક્રિશ્ચિયન સહિતના સ્ટાફે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. પોલીસનો દરોડો પડતાં ફાર્મહાઉસના મકાન આગળ બગીચામાં પ્લાસ્ટિકનાં ટેબલ ખુરશી ગોઠવી તીન પત્તીનો જુગાર રમતા 11 શખ્સોમાં દોડધામ મચી ગઇ હતી.
પોલીસે કોર્ડન કરીને તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. તમામ લોકોની તલાશી લેવાતાં તેમની પાસેથી અંગ ઝડતીમાંથી પોલીસે 1,32,110 રૂપિયા કબજે કર્યા હતા, જ્યારે દાવ પર મૂકેલા 90,600 રૂપિયા પણ મળી આવ્યા હતા.
પોલીસે 12 મોબાઇલ (કિંમત 55,500) ઉપરાંત પાંચ વૈભવી ફોર વ્હીલર અને એક મોટર સાઇકલ સહિત ટેબલ ખુરશીઓ મળી 34,94,010 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની તપાસમાં જુગાર રમી રહેલા લોકો વડોદરાના ઉદ્યોગપતિ અને વેપારીઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જુગાર રમતા 11 લોકો સહિત ફાર્મ હાઉસના માલિકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
source: divyabhaskar