રાજયસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપના અથાગ પ્રયાસ છતાં કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમને ૪૪ મત મળ્યા છે.
સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલમાં એહમદભાઇના વિજયની રાત્રે પોણા બે વાગે જાહેરાત થતા જ કોંગ્રેસના ધારાસભ્યો અને અગ્રણીઓ ઝૂમી ઉઠયા હતા અને કોંગ્રેસ ઝિંદાબાદના નારાથી સ્વર્ણિમ સંકુલ ગજાવી દેવાયું હતું.
આ સાથે જ ભાજપના અમિત શાહ 46 અને સ્મૃતિ ઈરાનીનો પણ 46 મત સાથે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા બળવંતસિંહ રાજપુતને 38 મત મળતા તેમનો પરાજય થયો હતો.
૯-૦૦ વાગ્યે મતદાન શરૂ. પ્રથમ મત શંકર ચૌધરીએ નાખ્યો. ત્રીજો મત શંકરસિંહ વાઘેલાએ નાખ્યો.
૯-૩૦ વાગ્યે રાઘવજી પટેલ, ભોળાભાઈ પટેલ, જયંત પટેલ બોસ્કી એક જૂથમાં આવ્યાં.
૧૦-૦૦ વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યો આવ્યાં.
૧૧ વાગ્યે કરમશી મકવાણાએ પ્રોક્સીની માગ છતાં જાતે આવીને મતદાન કરતાં શક્તિસિંહે વાંધો ઉઠાવ્યો.
૧૧-૧૫ વાગ્યે કોંગીના કાંકરેજના ધારાસભ્ય ધારશી ખાનપુરાએ પ્રોક્સી મતની માગ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો.
૧૧-૧૫ ભાજપના પરસોતમ સોલંકી વતી ગુડાના ચેરમેન અશોક ભાવસારે પ્રોક્સી મત નાખ્યો.
૧૧-૩૦ વાગ્યે રાઘવજી પટેલ અને ભોળાભાઈ પટેલે બેલેટ પેપર બતાવી મત નાખ્યો.
૧૧-૩૦ વાગ્યે કોંગ્રેસે આ બન્ને ધારાસભ્યોની હરકત સામે વાંધો લીધો. લેખિતમાં વાંધો રજૂ કરી મત રદ કરવા દાદ માગી.
૧૨-૩૦ વાગ્યે છેલ્લો મત શક્તિસિંહે નાખ્યો. કોંગ્રેસનું મતદાન પુરું.
૨-૦૦ વાગ્યે સાપુતારા હોલમાં અમિત શાહ, બળવંત રાજપૂત, સ્મૃતિ ઈરાની, શંકર ચૌધરી, કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ, શૈલેષ પરમાર વગેરે મોડે સુધી એકસાથે બેઠા રહ્યાં હતા.
૫-૦૦ વાગ્યે મતગણતરી શરૃ થવાની હતી. તે પહેલાં વાંધો આવતા અટકી ગઈ.
૮-૦૫ વાગ્યે અમિત શાહને મત બતાવ્યો તે વીડિયો રેકોર્ડિંગ જોવા ચૂંટણી ઓફિસર સહમત થયાં. આસી.રિટર્નિંગ ઓફિસરે વીડિયો ફૂટેજ જોયા પછી ચૂંટણી પંચને કહ્યું કે કોઈ ગુનો બનતો નથી.
૮-૨૦ વાગ્યે કોંગ્રેસના નેતા મળ્યાં પછી ભાજપના નેતા ચૂંટણી પંચને મળ્યાં.
૮-૩૭ વાગ્યે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ ચૂંટણી પંચને મળવા દોડી ગયા.
૮-૪૫ વાગ્યે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચે વીડિયો ફૂટેજ જોવાનું શરૂ કર્યું.
૯-૨૪ ચૂંટણી પંચનો ઓર્ડર આવશે. મતગણતરી મુલત્વી નહીં રહે.
૧૦-૦૦ સુધી દિલ્હીથી ચૂંટણી પંચનો જવાબ આવે તેની ઉત્કંઠાપૂર્વક જોવાતી રાહ.
આટલા લાંબા ઘટનાક્રમ પછી આખરે મોડી રાતે અંદાજે 1:30 વાગ્યે અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને અહેમદ પટેલને વિજેત જાહેર કરાયા હતા.
મતદાન પહેલાંનો મહત્વનો ઘટનાક્રમ
૨૧ જુલાઈ, શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને અલવિદા કહ્યું.
૨૭ જુલાઈ, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાયા.
૨૮ જુલાઈ, કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા.
૨૯ જુલાઈ, કોંગ્રેસ તેના ૪૪ ધારાસભ્યોને બેગ્લુરુ લઈ ગઈ.
૨ ઓગસ્ટ, આઈટીએ કર્ણાટકના મંત્રી શિવકુમારને ત્યાં રેડ પાડી.
૨ ઓગસ્ટ, નોટા મુદ્દે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ.
૩ ઓગસ્ટ, સુપ્રીમે નોટા પર સ્ટે આપવાની ના પાડી.
૭ ઓગસ્ટ, ૪૪ કોંગ્રેસી ધારાસભ્યોને ગુજરાતમાં લાવીને સીધા આણંદ લઈ જવાયા.
૮ ઓગસ્ટ, રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન
source: sandesh