પોતાના બાળક માટે એક મા કેટલું કરી શકે તેનો ઉત્કૃષ્ટ કિસ્સો મોરબીમાં બન્યો છે. સંતાન માતા માટે કેટલું બધું મહત્વ ધરાવતું હોય માતા સિવાય તો કોણ સમજી શકે? અને તેમાં પણ સંતાન દિવ્યાંગ હોય ત્યારે માતા કેટલી જવાબદારી પૂર્વક લડી શકે! પોતાની દિવ્યાંગ દીકરીને શાળાએ એડમિશન આપવાની ના પાડી દીધી તો માતાએ હિંમત હારવાને બદલે પોતે શાળા શરૂ કરી દીધી અને આજે તેમાં 40 દિવ્યાંગ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
માનસિક દિવ્યાંગ બાળકોને ભણાવવા માટેની છ માસની તાલીમ લીધી સુભાષનગરમાં રહેતા દુર્ગાબેન નરેશભાઈ કૈલાને એક પુત્રના જન્મ પછી પુત્રીનો જન્મ થયો. નેહા નામની દીકરી માનસિક વિકલાંગ હતી.
દીકરીને બે વખત ખાનગી શાળાઓએ એડમિશનની ના પાડી દેતા દુર્ગાબહેને પોતે દીકરી માટે શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. માટે તેમણે માનસિક દિવ્યાંગ બાળકોને ભણાવવા માટેની છ માસની તાલીમ લીધી. શનાળા રોડ પર મંગલમૂર્તિ મંદબુદ્ધિ શાળા કાર્યરત છે.
જેમાં શિક્ષકો 40 દિવ્યાંગ બાળકોને ભણાવી રહ્યા છે. સ્વખર્ચે અને દાન મેળવીને કામ આગળ ધપાવાઇ રહ્યું છે. બાળકોને વિવિધલક્ષી તાલીમ અપાય છે શાળામાં બાળકોને કસરત, યોગ, સંગીત, નૃત્ય, સમૂહ જીવન, ચિત્રકળા, શબ્દ જ્ઞાન, અંક જ્ઞાન, મૂળાક્ષરો, આઉટડોર ગેમ્સ, અભિનય, ગણિત, ઓળખ શક્તિની વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
કેટલાક બાળકો તો ટીવી, મોબાઈલ અને ટેબ્લેટનો વપરાશ પણ કરતા થઈ ગયા છે. શરૂઆતમાં તો ખૂબ મુશ્કેલીઓ પડી દુર્ગાબહેન કહે છે કે શરૂઆતમાં દિવ્યાંગ બાળકો માટે વિશિષ્ટ પ્રકારના રમકડાઓ તથા ગેઈમ્સ લાવવી પડતી હતી.
નવા આવનારા બાળકોમાંથી કેટલાક ખુબ હિંસક બની ગયા હોવાથી તેમને કેટલાય બાળકો બચકા ભરી લેતા. પરંતુ ધીમે ધીમે બાળકો સમૂહમાં જીવવા ટેવાઈ ગયા.
source: divyabhaskar