ભરૂચ તાલુકાના સરનાર ગામે 17 વર્ષીય કિશોરીને પરિવારના જ લોકોએ સાંકળોથી બાંધી ઘરમાં જ ગોંધી રાખવાનો ચકચારી કિસ્સો બહાર આવ્યો છે.
181ની ટીમને જાણ થતા ટીમે કિશોરીને તેના પરિવારના જ બંધનમાંથી મુક્ત કરાવી તેના પરિવારની પૂછપરછ કરતા કિશોરી તેના પેરમી સાથે ભાગી ન જાય તે માટે ઘરમાં સાંકળથી બાંધી રાખી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
ભરૂચ તાલુકાના સરનાર ગામ પાસેની એક સોસાયટીમાં મુસ્લિમ પરિવારે તેમના કુટુંબની જ એક 17 વર્ષીય કિશોરીને છેલ્લા કેટલાય સમયથી સાંકળોથી બંધક બનાવી એક રૂમમાં ગોંધી રાખી હતી.
કિશોરીને નિર્દયી રીતે રૂમમાં કેદ કરી રાખી હોવાની ચર્ચા 181 મહિલા હેલ્પ લાઇનને પહોંચતા કાઉન્સીલર અને મહિલા પોલીસ સહિતની ટીમ સરનાર ખાતે દોડી ગઈ હતી. જેમને કિશોરીને તેના પરિવારના બંધનમાંથી મુક્ત કરાવી હતી.
મહિલા પોલીસે કિશોરીના પરિવારજનોની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. કિશોરીનું સોસાયટીના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી તે ભાગી ન જાય તે માટે તેને ગોંધીને રાખી હતી.
સાંકળથી બંધાયેલી કિશોરીને મુક્ત કરાવવા પહોંચેલી 181ની બંને કાઉન્સીલર બહેનોએ કિશોરીના ભાઈને સાંકળથી એક કિશોરીને બાંધી રાખવી એ ગુનો બને છે તેમ સમજાવી તેના પરિવારને પણ મહિલા અત્યાચાર રોકવા તાકીદ કરી સાંકળથી બંધાયેલી 17 વર્ષની કિશોરીને મુક્ત કરાવી હતી. સાથે સાથે કિશોરીને પણ તે પુખ્ત ન થાય ત્યાં સુધી માત્ર ભણતર ઉપર ધ્યાન આપી પરિવારની આબરૂ સાચવવા અને સન રહેવા સમજાવી હતી.
આમ કિશોરીને તેના જ સગાભાઈ દ્વારા સાંકળ વડે બંધાયેલી છોડાવી 181ની ટીમે કિશોરીને તેના ભણતરને બગડતું અટકાવવા ગ્રામજનો સહીત પરિવાર જનો દ્વારા સાચી સમજ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરી ફરી આમ નહીં બને તેની ખાત્રી આપી હતી.
source: sandesh