હીરાના વેપારી અને ઝવેરી નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે આચરેલા વધુ એક રૂ. 1,322 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પીએનબીએ સોમવારની મોડી રાતે નીરવ મોદી અને તેના મામા તથા બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસીના કૌભાંડની જાણ શેર બજારને કરી છે.
આ સાથે મામા-ભાણેજના કૌભાંડની રકમ રૂ. 12,600 કરોડે પહોંચી ગઈ છે. અગાઉ પીએનબીએ નીરવ મોદી દ્વારા બેન્ક સાથે રૂ. 11,300 કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ મુક્યો હતો.
નીરવા મોદીના આ વધારાના ગેરકાયદેસરના વ્યવહારોનો આંક પીએનબીના 2017ના કુલ નફા જેટલો છે. 2017માં પીએનબીએ રૂ. 1,320 કરોડનો નફો કર્યો હતો.
પીએનબીની વિદેશી શાખાઓને મળેલા લેટર ઓફ અન્ડરટેકિંગ પછી આ નવા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. પીએનબીએ શેર બજારને જણાવ્યું હતું કે તેઓ જણાવવા માગે છે કે અનધિકૃત વ્યવહારોનો આંક રૂ. 12,600 કરોડ સુધી પહોંચી શકે છે.
આ કૌભાંડની રકમ ભરપાઈ કરવા સરકાર પાસે માગણી કરવામાં આવી હોવાનું પણ પીએનબીએ ઈનકાર કર્યો છે.
source: sandesh