ગાંધીનગર નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા નવીન શાહનું રૂ. 5 કરોડની ખંડણી માટે અપહરણ કરીને હત્યા કરી નાંખવાનાં કેસમાં ગાંધીનગર એલસીબી દ્વારા આરોપીઓનાં રીમાન્ડ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી છે. એલસીબી દ્વારા ફરાર આરોપીઓની ધરપકડ તથા ટેકનીકલ તપાસ માટે 4 ટીમો બનાવી તમામ શક્તિ કામે લગાડી દીધી છે.
પોલીસ દ્વારા ફરાર આરોપી તરીકે શૈલેષનું નામ તો જાહેર કરવામાં આવ્યુ છે. પરંતુ ખાનગી સૂત્રોનાં જણાવ્યાનુંસાર આ સમગ્ર કાવતરામાં ગાંધીનગરનાં શખ્સો પણ સામેલ છે.
જેમાં એક હુક્કાબારનાં માલીકનું નામ પણ સામે આવી રહ્યુ છે. પોલીસે આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હત્યા કેસમાં શૈલેષ નામનો શખ્સ ફરાર નવનીત પ્રકાશનના નવીનભાઇ શાહની ખંડણી માટે હત્યામાં સંડોવાયેલા જીજ્ઞેશ ઉર્ફે જીગો ભાવસાર તથા રમેશ મથુર પટેલ પોલીસ ગીરફતમાં છે અને પૂછપરછ ચાલી રહી છે.
જયારે શૈલેષ નામનો શખ્સ ફરાર છે. ગાંધીનગર એલસીબી આ કેસની ઝડપી તપાસ માટે 4 ટીમો બનાવી છે. જેમાં ટેકનીકલ ટીમ મોબાઇલ કોલ ડીટેઇલ તથા લોકેશન તપાસ રહી છે.
સીસીટીવી કેમેરા ચેકીંગ માટે બીજી ટીમ કામ કરી રહી છે, ત્રીજી ટીમ ફરાર આરોપી શૈલેષને ઝડપી પાડવા મેદાને ઉતરી છે. જયારે એક ટીમ ખાસ ખાનગી બાતમીદારોને સક્રિય કરીને આરોપીઓ તથા ગુનાને લગતી રજે રજની માહિતી મેળવી રહી છે.
ગાંધીનગરનો શખ્સ ક્રિકેટમાં દેવું થઈ ગયા બાદ કાવતરામાં જોડાયો ગાંધીનગર એલસીબીની સાથે સાથે આ હાઇ પ્રોફાઇલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તથા એટીએસ પણ કામ કરી રહી છે. ત્યારે ખાનગી સૂત્રોનાં જણાવ્યાનુંસાર આ સમગ્ર કેસમાં ગાંધીનગરનાં શખ્સો પણ સંડોવાયેલા છે. જેમાં જિલ્લાનાં એક હુક્કાબારનો માલીક પણ છે.
સુત્રોનાં જણાવ્યાનુંસાર ગાંધીનગરનાં જે શખ્સનું નામ ચાલી રહ્યુ છે તે ગત આઇપીએલ ક્રિકેટમાં સટ્ટામાં ધોવાયા બાદ મોટું દેવું થઇ જતા આ કાવતરામાં સામેલ થયાની શકયતા છે.
ત્યારે આ શખ્સની સાથે અન્ય એક ગાંધીનગરનો શખ્સ પણ ગુનામાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. કદાચ આ બાબત એલસીબી પણ જાણતી હોઇ શકે.
પરંતુ એલસીબીને આ અંગે પુછવામાં આવ્યુ ત્યારે અન્ય કોણ કોણ આરોપીઓ હતા તે દિશામાં પણ પુછપરછ કરવામાં આવી રહી હોવાનું જ જણાવ્યુ હતુ પરંતુ આ આરોપીઓનાં નામ અંગે બોલવા તૈયાર નથી.
કેસ ખંડણીનો હોવાની બાબત શંકાસ્પદ લાગી રહી છે. કોઇએ સોપારી આપી હતી કે કેમ તે બાબત પણ તપાસવી જરૂરી છે. આરોપીઓ પકડાયા બાદ કેસમાં નવા વળાંકની પણ શકયતા છે.
source: divyabhaskar