- સતત ૪૫ દિવસથી કાશ્મીરની પરિસ્થિતિ થાળે પાડી ન શકતા વડાપ્રધાનની આજીજી
- ઓમર અબ્દુલાની આગેવાનીમાં પીએમને આવેદનપત્ર અપાયું
કાશ્મીર હિંસાને શાંત પાડવા મોદી પાસે કોઇ યોજના નથી : કોંગ્રેસ
નવી દિલ્હી, તા. ૨૨
કાશ્મીરમાં છેલ્લા ૪૫ દિવસથી હિંસા ચાલુ છે જેને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંસા મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિંસાને પગલે મને બહુ જ દુ:ખ થયું હતું. સાથે તેઓએ વિપક્ષોને વિનંતી કરી હતી કે કાશ્મીર હિંસાનું સમાધાન લાવવા માટે દરેક પક્ષો મળીને કામ કરે. કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની આગેવાનીમાં એક ડેલિગેશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ કાશ્મીર હિંસાને શાંત કરવા માટે મોદી કોઇ પ્રયાસો કરે તેવી વિનંતી કરી હતી.
છેલ્લા ૪૫ દિવસથી હિંસામાં ૬૩થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે ૮૦૦૦થી વધુ ઘવાયા છે. ૫૦૦ લોકોને આંખોની નાની મોટી ઇજાઓ પેલેટગનને કારણે થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દલિતો પર અત્યાચાર અને કાશ્મીર હિંસા મામલે લાંબા સમયના મૌન બાદ કંઇક બોલવા વિપક્ષોએ દબાણ કર્યું હતું. જેને પગલે મોદીએ જણાવ્યું હતું કે મને કાશ્મીર હિંસા મામલે ભારે દુ:ખ છે.
કાશ્મીરના આ ડેલિગેશને ૭૫ મિનિટ સુધી વડા પ્રધાન મોદી સાથે કાશ્મીર હિંસા મામલે ચર્ચા કરી હતી. ઓમર અબ્દુલાએ બેઠક બાદ જણાવ્યું હતું કે મોદીએ અમને શાંતીથી સાંભળ્યા અને અમારા આવેદનપત્રનો સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન મોદીએ દરેક પક્ષોેએ સાથે મળીને કાશ્મીરમાં ભડકેલી હિંસાને શાંત કરવા વિનંતી કરી હતી. તેઓએ સાથે હિંસા મામલે દુ:ખ હોવાની વાત પણ કરી હતી.
કાશ્મીર હિંસાને શાંત પાડવા મોદી પાસે કોઇ જ પ્લાન નથી : કોંગ્રેસ
કોંગ્રેસે મોદી સરકારને કાશ્મીર હિંસા મામલે ઘેરી હતી અને જણાવ્યું હતું કે કાશ્મીરમાં દિવસેને દિવસે સ્થિતિ વિકરાળ સ્વરુપ લઇ રહી છે. જેને શાંત કરવા માટે મોદી પાસે કોઇ જ પ્લાન નથી. મોદીએ સર્વપક્ષોને એક થવા અને કાશ્મીર મામલે વાતચીત કરવા કહ્યું જેને પગલે કોંગ્રેસે મોદી પર પ્રહારો કર્યા હતા અને સવાલ ઉઠાવ્યો હતો કે મોદી વાતચીત કરવાનું કહે છે પણ સવાલ એ થાય છે કે વાતચીત કરવી કોની સાથે ? મોદી પાસે કોઇ જ પ્લાન કાશ્મીરની સ્થિતિને કાબુ કરવા માટે નથી. તેઓ દર વખતે અલગ જ પ્રકારની વાતચીત કરે છે.
Source : Gujarat Samachar