એક ભક્તિ ગીતમાં ગવાયું છે,
'હરિ તારા નામ છે હજાર, કયે નામે લખવી કંકોત્રી' એ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનાં અનેકરૃપો, અનેક સ્વરૃપો છે. અને આ બધા સ્વરૃપો પૂજનીય, વંદનીય અને આદરણીય છે. તેમનાં દરેકરૃપ મનમોહક, મનપસંદ છે, મનમંદિરમાં સુંદર કૃતિરૃપે બિરાજી શકે તેવા છે. આ દરેક સ્વરૃપની યાત્રા જ ક્રમશ : કરવામાં આવે કે શ્રીકૃષ્ણજીનાં ભાગવત કથામાં દર્શાવેલા કર્મોમાંથી પ્રાપ્ત થતા સંદેશા વિષે જો ચિંતન-મનન કરવામાં આવે તો, તેમનાં સાચા આધ્યાત્મિક પાસાનો પરિચય થશે. ભગવાન શ્રીકૃષ્ણનું સૌથી પ્રભાવશાળી, અસરકારક સ્વરૃપ મહાભારતનાં યુદ્ધ દરમ્યાન જોવા મળ્યું છે.
મહાભારતનાં યુધ્ધ વખતે અર્જૂનનાં પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા સગર્ભા હતી. ગુરૃ દ્રોણાચાર્યના પુત્રે અશ્વત્થામાનાં શ્રાપથી ઉત્તરા નો ગર્ભમાંનો પુત્ર મૃત્યુ પામ્યો. મહાભારતના યુધ્ધમાં દ્રોણાચાર્યને કપટથી મારવામાં આવ્યા હતા. તેનુ વેર વાળવા અશ્વત્થામાએ આ કૃત્ય કરેલું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની વહારે આવે છે. અને ઉત્તરાનાં મૃત શિશુને ખોળામાં લીધો.
આશ્વમેધિક પર્વ- ૬૯/૧૮-સ્કંધ ૨૩માં જણાવ્યા પ્રમાણે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે જે વેણ ઉચ્ચારેલા, તે ખરેખર સમજવા જેવા છે. ' હે ઉત્તરા, હું ખોટું નહીં બોલું. સત્યનો જય થશે. અહીં હાજર બધી દેહધારીઓની દેખતાં, ઉત્તરા પુત્રને જીવીત કરૃં છું. હું આ પહેલાં ક્યારેય ભૂલથી પણ ખોટું બોલ્યો ન હોઉં, આ યુધ્ધમાં પીછે હટ ન કરી હોય તો ખોળામાનું આ સંતાન જીવીત થાય.
હું ખરો ધર્મપ્રિય હોઉં, બ્રાહમણ પ્રિય હોઉં તો આ અભિમન્યુ પુત્ર જીવીત થાય. અર્જુન સાથે મારે ક્યારેય વિરોધ ન તો, એ હંમેશા મારો પ્રિય મિત્ર રહયો છે, માટે જ આ મૃત બાળક જીવીત થાય. જો કંસ અને કેશીને ધર્મનો જ્ય કરવા માર્યા હોય તો આ ઉત્તરાપુત્ર જીવીત થાય.' આ આખોય લાગણી પ્રદ્યાન પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણનાં ન્યાય અને ધર્મ-સત્ય પ્રિયતાનાં ઉજ્જવળ પાસાનો પરિચય થાય છે.
શ્રીકૃષ્ણ જ્યારે એમ કહે છે કે મારી ઇચ્છા વગર પાંદડું પણ ફરકતું નથી, તેનો અર્થ એ થાય છે, આપણે કર્તા નથી, પછી ભલે આપણો કર્મ ધર્મ હોય. બધું પરમેશ્વરને આધીન છે.
અહીં શ્રીકૃષ્ણ મનુષ્યને ધર્મની યાદ કરાવે છે શ્રી કૃષ્ણે પરમસખા અર્જુન સાથેની મૈત્રીનાં સોગંધ ખાઈને પણ અર્જુન પૌત્રને જીવન દાન આપ્યું. કેવી મોટી સોગંધ ખાધી ! મૈત્રીનાં પણ સોગંધ ખાઈ, તેને પોતાની સત્ય પ્રિયતાનો આધાર માન્યો, તે ઘટના જ સૂચવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ધર્મ અને ન્યાયનાં કેટલા બધા પક્ષમાં હતા. વળી કંસ અને કેશીનાં વદ્યનાં બનાવને તેઓ પોતાની ફરજ સમજી કરેલું કૃત્ય છે. જે તેમની કર્તવ્ય નિષ્ઠા દર્શાવે છે.
ઉપરના આખા શ્લોકનો સારાંશ છે, મનુષ્યના ફરજ યુક્ત કર્મ પર તેનો આધિકાર છે, પણ તે કર્મ સારૃં છે કે ખરાબ, કે તેનાં પરિણામ કેવા મળશે, તે જોવાનું પરમેશ્વરને આધીન છે. ભગવાન શ્રીકૃષ્ણની કથાઓ, આવા તત્વજ્ઞાાનથી ભરપૂર છે. જો તેને સમજીને આત્મસાત કરવામાં આવે તો શ્રીકૃષ્ણની ખરી ભક્તિ કરી કહેવાશે.
source: gujaratsamachar