Welcome to My Gujarat.net

We are happly to searve Gujarati Community by My Gujarati, I am Gijarati & This is my Gujarat - હું ગુજરાતી અને મારું ગુજરાત.

 • Jan 17

  અત્યંત ધૃણાસ્પદ, શાળાના પ્રિન્સિપાલ સહિત 4 લોકોએ 12 વર્ષની બાળકી પર કર્યો રેપ

  બિહારના જહાનાબાદમાં અત્યંત ધૃણાસ્પદ અને શરમજનક ઘટના ઘટી છે. એક શાળામાં રજા દરમિયાન 12 વર્ષની બાળકી સાથે રેપનો મામલો સામે આવ્યો છે. રેપનો આરોપ શાળાના પ્રિન્સિપાલ અને 3 ટીચર્સ પર છે.

  તપાસ મુજબ આ ચારેય બાળકીને શાળાની છત પર લઈ ગયા અને તેના ઉપર રેપ કર્યો. હાલ આરોપીઓ ફરાર છે. પ્રિન્સિપાલે રવિવારની રજા કેન્સલ કરીને શાળાએ આવવાનો આદેશ આપ્યો હતો.

  આ ઘટના 15 જાન્યુઆરીએ ઘટી હતી. SDOP પી કે શ્રીવાસ્તવના જણાવ્યાં મુજબ કાકો સેકન્ડરી શાળાના પ્રિન્સિપાલ અજૂ અહેમદ તથા ત્રણ ટિચરો એ. રહેમાન, અબ્દુલ બારી અને મોહમ્મદ શૌકતે બાળકી પર રેપ કર્યો હતો. બાળકી જ્યારે શાળાની બિલ્ડિંગમાં એકલી હતી ત્યારે તેની સાથે આ ઘટના ઘટી.

  આરોપીઓ સામે એફઆઈઆર નોંધી લેવાઈ છે. શ્રીવાસ્તવના જણાવ્યાં મુજબ બાળકીએ જ ત્યારબાદ ઘટના અંગે માહિતી આપી હતી. શાળાની છત પર બાળકી અને શાળાનો એક ટિચર અસ્તવ્યસ્ત હાલાતમાં મળ્યાં હતાં. હાલ તો તમામ આરોપીઓ ફરાર છે.

  પોલીસ તેમની તપાસ કરી કરી રહી છે. શાળાના પ્રિન્સિપાલે જ મૌખિક આદેશ આપીને રવિવારની રજા રદ કરી નાખી હતી અને તેની જગ્યાએ શુક્રવારે રજા આપી હતી.

   

  source: sandesh

  0
 • Jan 17

  કાશ્મીરમાં આઈએસઆઈ લડયે રાખશે પ્રોક્સી યુદ્ધ

  જર્મનીના ઈતિહાસકાર હાઈન કિસલિંગે તેમના પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં કોઈ પણ પક્ષની સરકાર રચાય પરંતુ તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ઈન્ટરસર્વિસ ઈન્ટેલિજન્સ) ભારત સામે પ્રોક્સી યુદ્ધ જારી રાખશે. આઈએસઆઈને હંમેશા શત્રુ જ જોઈએ છે. આમ કાશ્મીર મુદ્દે તે ભારતનો શત્રુ સમજે છે. કિસલિંગે છેલ્લાં 13 વર્ષ પાકિસ્તાનમાં જ પસાર કર્યા હતાં.

  તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની કામગીરીનો અભ્યાસ કર્યો છે. કિસલિંગે દાવો કર્યો છે કે આઈએસઆઈ તેની કામગીરીને નક્કર સ્વરૂપ આપવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જનસેવા આયોગના કાર્યકરો અને નિવૃત સૈન્ય અધિકારીઓની ભરતી કરે છે.

  કિસલિગે વધુમાં જણાવ્યુ હતું કે એશિયાની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર એજન્સીઓમાં આઈએસઆઈનો સમાવેશ થાય છે. 2004માં તેના કર્મચારીઓની સંખ્યા માત્ર 3,500 હતી જ્યારે ભારતની ગુપ્તચર એજન્સી પાસે સાત હજાર જેટલા કર્મચારી હતાં.

  ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં પોતાના પુસ્તક ફેથ, યુનિટી, ડિસિપ્લિન ( ધ આઈએસઆઈ ઓફ પાકિસ્તાન)ના લોચિંગ પછી સંબોધન કરતાં કિસલિગે જણાવ્યું હતું કે ભારત સાથેની તંગદિલી યથાવત રાખવા માટે આઈએસઆઈ કાશ્મીરી ભાગલાવાદીઓને સમર્થન આપવાનું તથા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી શિબિરોને પીઠ બળ પૂરું પાડવાનું ચાલુ રાખશે. કાશ્મીરમાં હુમલા ઘટી શકે છે પરંતુ સંપૂર્ણપણે બંધ કયારેય નહીં થાય.

   

  source: sandesh

  0
 • Jan 17

  દિલ્હી: સોશિયલ મીડિયામાં દોડતી ટ્રેન સાથેનો વીડિયો પોસ્ટ કરવાની ઈચ્છા ભારે પડી, બેના મોત

  પૂર્વ દિલ્હીમાં રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતી વખતે બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો. મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓ મયૂર વિહારમાં રહેતા હતા. જો કે આ મામલે પરિવારજનો તરફથી કોઈ નિવેદનો આવ્યાં નથી. વિદ્યાર્થીઓ સ્ટંટનો વીડિયો પ્રોફેશનલ કેમેરાથી શૂટ કરી રહ્યાં હતાં. અકસ્માતમાં શુભમ સૈની (15) અને યશકુમાર (15)ના મોત થયા છે.

  અહેવાલો મુજબ મયૂર વિહારની એસ્ટાર પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓ રવિવારે સાંજે પાછળ બેકગ્રાઉન્ડમાં ટ્રેન આવે તે રીતે વીડિયો શૂટ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. શુભમ અને યશ સાથે તેમના પાંચ મિત્રો પણ હતાં જેઓ અક્ષરધામ મેટ્રો સ્ટેશન પાસે વીડિયો શૂટ કરી રહ્યાં હતાં.

  દુર્ઘટના વખતે વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસિસમાંથી પાછા ફરી રહ્યાં હતાં. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બંને વિદ્યાર્થીઓ ચાલુ ટ્રેન સામે કૂદવાનો સ્ટંટ વિડીયો બનાવવા માંગતા હતાં. આનંદવિહારથી નવી દિલ્હી જતી ટ્રેનની સ્પીડનો વિદ્યાર્થીઓને અંદાજો ન રહ્યો અને તેઓ અકસ્માતનો શિકાર બની ગયાં. જો કે ડીસીપી અહેમદે જણાવ્યું કે પોલીસ વીડિયો કેમેરાને જપ્ત કરીને અન્ય મિત્રોની પૂછપરછ કરી રહી છે.

  બંને વિદ્યાર્થીઓના મોત કેવી રીતે થયા તે હજુ સ્પષ્ટ થયું થી. મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓએ આ વીડિયો બનાવવા માટે 1300 રૂપિયામાં વીડિયો કેમેરા અને પ્રોફેશનલ કેમેરામેન પણ હાયર કર્યો હતો.

  માર્યા ગયેલા વિદ્યાર્થીઓ કમાણી માટે સ્ટંટ વીડિયો બનાવીને સોશિયલ સાઈટ યૂટ્યૂબ પર નાખવાની યોજના ઘડી રહ્યાં હતાં. જેથી કરીને તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ સ્ટંટનો ભાગ બનવા માટે ઓફર કરી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ વિદ્યાર્થીઓ આ અગાઉ પણ આ રીતે ખતરનાક સ્ટંટ કરી ચૂક્યા છે.

   

  source: sandesh

  0
 • Jan 17

  ચિન્નમાને ટક્કર આપવા માટે રાજકારણના મેદાનમાં કૂદશે અમ્માની ભત્રીજી

  જયલલિતાની ભત્રીજી અને તેમના જેવી દેખાતી દીપા જયકુમારે ફોઈના પગલે રાજકારણમાં પ્રવેશવાનો ફેસલો લીધો છે. જયાના નિધન બાદ આજે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં દીપાએ કહ્યું કે હું 24મી ફેબ્રુઆરીએ મારા ફોઈ (જયલલિતા)ના જન્મદિવસે આ અંગે જાહેરાત કરીશ. દીપા જયલલિતાના મોટા ભાઈ જયકુમારની પુત્રી છે. જયકુમારનું પણ નિધન થઈ ગયું છે.

  42 વર્ષની દીપા જયકુમાર તાજેતરમાં કેટલાક પોસ્ટર્સ દ્વારા ચર્ચામાં આવી હતી. પોસ્ટર્સમાં તે અસલ ફોઈ જયલલિતા જેવી દેખાતી હતી. તેણે જયલલિતા જેવી જ સાડી પહેરી હતી. જો કે આ ફોટો તો જયલલિતાનો જ હતો પરંતુ તેમાં ચહેરો ફોટોશોપ કરીને દીપાનો લગાવવામાં આવ્યો હતો.

  AIADMKના કેટલાક નેતાઓ પણ દીપામાં જયલલિતાની છબીને જૂએ છે. આ નેતાઓ પાર્ટીમાં જયલલિતાની જગ્યા લઈ ચૂકેલા ચિનમ્મા શશિકલાની જગ્યાએ દીપાના સમર્થનમાં છે. જયલલિતાના ભાઈની પુત્રી દીપા લંડનમાં ભણી છે. જયલલિતા જ્યારે હોસ્પિટલમાં હતાં ત્યારે તે લોકો સામે જોવા મળી હતી.

  જયલલિતાના નિધન બાદ તેમના અંતિમ સંસ્કારમાં પણ તે જોવા મળી હતી. ક્યારે દીપાએ આરોપ લગાવ્યો હતો કે જયલલિતાના અનેક નજીકના લોકોએ તેમને અંતિમ દિવસોમાં જયલલિતા સાથે મુલાકાત કરવા દીધી નહતી.

  જયલલિતાના મોત બાદ દીપાએ એમ પણ કહ્યું કે તેમને રાજનીતિમાં આવતા કોઈ રોકી શકે નહીં. જયલલિતાના મત વિસ્તારમાં પણ કેટલાક લોકોએ કહ્યું હતું કે તેઓ શશિકલાની જગ્યાએ દીપાને જોવા ઈચ્છે છે.

   

  source: sandesh

  0
 • Jan 17

  વિસાવદરમાં ફ્લેટમાં મહિલા સાથે જલ્સા કરતાં અધિકારી ઉપર પાડોશીઓનો દરોડો

  વિસાવદરની એક રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારી શહેરના એક એપાર્ટમેન્ટના ફલેટમાં સંક્રાંતિની રજાના દિવસે સવારે પોતાની સાથી મહિલા કર્મચારી સાથે ફલેટમાં ઘુસ્યા બાદ મહિલાકર્મીને ફલેટમાં રાખી બહાર નાસ્તો લેવા જતા અન્ય ફલેટધારકોએ ફલેટમાં કોણ છે? તેવા સવાલો સાથે હોબાળો મચાવતા અધિકારીને ફલેટ ખાલી કરવો પડયો હતો.

  શહેરના એક એપાર્ટમેન્ટમાં રાષ્ટ્રીયકૃત બેંકના ઉચ્ચ હોદાધારી અધિકારીએ ફલેટ ભાડે રાખ્યો હતો, જયાં અન્ય સાથી કર્મચારીઓ પણ આરામ ફરમાવવા જતા હતા, કારણ કે ફેલટ રાખનારનું ફેમીલી જૂનાગઢ રહે છે જેથી પોતાની રોજીંદી ક્રિયા મુજબ રજાના દિવસે તા.૧૪ ના રોજ સવારના સમયે બેંકનો અધિકારી ફલેટ પર ગયો હતો. બાદમાં તેની સાથી હંગામી મહિલા કર્મચારી (યુવતી) આવી. અન્ય ફલેટધારકોને કંઈક નવું લાગ્યું.

  જેથી નાસ્તો લેવા ગયેલા રંગીન મીજાજધારી અધિકારી આવતા તેની સાથે અન્ય ફલેટધારકોએ ફલેટમાં ઘુસી જઈ યુવતીની પૂછપરછ કરી હતી અને અધિકારીએ મારી ફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું.

  તેથી અન્ય ફલેટધારકોએ યુવતીને ઠપકો આપી તેને નીકળી જવાનું કહેતા તે ત્યાંથી ચાલી ગઈ હતી. બાદમાં અધિકારીને અહીં એકલા પુરૃષો જ રહેતા હોઈ છોકરીઓને અહીં ન બોલાવવા અને આજે ફલેટ ખાલી કરી નાખવાનું જણાવી તેેને પણ જવા દીધો હતો.

  બાદમાં હોબાળો મચ્યાની જાણ જેણે ફલેટ રાખ્યો તેને થતા તેણે ભીનું સંકેલવાના ભાગરૃપે તાત્કાલીક જ ફલેટ ખાલી કરી નાખ્યો હતો પણ આ વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા બેંકના અધિકારી અને કર્મચારીગણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

  આવા બેંકના રંગીનમીજાજી અધિકારી બાબતે તેની હેડ ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવે તો તમામ હકીકત બહાર આવે તેમ છે, જેથી પોતાની સાથી મહિલાઓનું શોષણ અટકાવી શકાય. આ બાબતે બેંકના સતાવાળાઓ શું કરે છે ? તે જોવું રહ્યું.

   

  source: sandesh

  0
 • Jan 17

  નોટબંધી કેટલી ફળી? જનતાની ‘મન કી બાત’ જાણવા RBIનો ગુપચુપ સરવે

  નોટબંધીની જાહેરાત થયાને ૬૯ દિવસનો સમય વીતી ચૂક્યો છે. રિઝર્વ બેંક દ્વારા આજે એટીએમમાંથી રૃપિયા ઉપડવાની મર્યાદા વધારીને રૃ.૧૦ હજાર કરી દેવાઇ છે પણ કોમનમેનથી માંડીને કેન્દ્ર સરકાર સુધી નોટબંધીની અસર હકારાત્મ રહી કે નકારાત્મક તે અંગે હજુપણ ચર્ચાનો દોર ચાલી રહ્યો છે પણ સૌથી મહત્વની વાત એ છે કે,

  રિઝર્વ બેંક દ્વારા અમદાવાદ શહેરમાં ચૂપચાપ એક મહત્વનો સરવે કરવામાં આવ્યો છે જેમાં રિઝર્વ બેંકે ચાર પાનાનું ૩૦ પ્રશ્નોનું ફોર્મ ભરાવવામાં આવ્યું છે જેમાં નોટબંધીની અસરનો કયાસ મેળવવાનો પ્રયાસ કરાયો છે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

  રિઝર્વ બેંકે ચાર પાનાના ફોર્મમાં ૩૦થી વધુ પ્રશ્નો આવરી લીધા છે જેમાં સૌથી મહત્વનો પ્રશ્ન એવો પુછાયો છે કે, તમે શું માનો છો નોટબંધીથી ફાયદો થયો કે નહીં ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮મી નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી જેમાં ચલણમાંથી જુની ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બહાર કરી દેવાઇ હતી જેની સાથે બેંકોમાં નોટ બદલવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી જેની માટે દેશભરમાં લાંબી કતારો જોવા મળી હતી.

  ઉપરાંત એટીએમમાંથી રૃપિયા ૪૦૦૦થી ૪૫૦૦ ઉપાડવાની મર્યાદા નક્કી કરાઇ હતી જ્યારે ચેકથી અઠવાડિયે ૨૪ હજાર ઉપાડવાની વ્યવસ્થા હતી ઉપરાંત કરન્ટ એકાઉન્ટમાં એક અઠવાડિયામાં ૫૦ હજાર ઉપાડી શકાતા હતા પણ આ વ્યવસ્થા પુરતા પ્રમાણમાં ગોઠવાઇ શકી ન હતી જેથી બેંકો આગળ લાંબી કતારો જોવા મળી હતી. કેટલાંક સ્થળોએ તો વિવાદ અને વિરોધનો સુર પણ તેજ થયો હતો.

  જેથી નોટબંધની જાહેરાત થયા બાદ ૨૫થી ૩૦ દિવસ વિત્યા બાદ ચૂપચાપ એક મહત્વપૂર્ણ સરવે કરાવવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત રિઝર્વ બેંકના સુત્રો જણાવી રહ્યાં છે કે, નોટબંધીની અસર જાણવા માટે ચાર પાનાનું એક ફોર્મ બનાવવામાં આવ્યું હતુ જેમાં ચાર પાનામાં ૩૦થી વધુ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેમાં કોમનમેનથી માંડીને નાના ઉદ્યોગકાર સહિત કર્મચારીઓના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા પણ આ સરવે એટલી ગોપનીયતા સાથે કરવામાં આવ્યો હતો કે, આ પ્રકારનો સરવે થયો હોવાનું કોઇને પણ જાણ થઇ ન હતી.

  એવું પણ કહેવાય છે કે, રિઝર્વ બેંક દ્વારા કરાવવામાં આવેલો સરવેમાં સેમ્પલ પસંદગીમાં પણ ખાસ તકેદારી રાખીને ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જેથી માહિતી લીક થઇ શકે નહીં. ઉપરાંત રિઝર્વ બેંકને આ સરવે કરાવવાની જરૃરિયાત કેમ ઉભી થઇ તેનો જવાબ સત્તાવાર રીતે મળી રહ્યો નથી.

   

  source: sandesh

  0
 • Jan 17

  ખોડલધામ મહોત્સવ: પાંચ દિવસના કાર્યક્રમની જાણીલો રૂપરેખા

  ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ આજથી થઇ રહ્યો છે ત્યારે આજે મંદિરમાં સ્થાપિત કરાનારી મા ખોડલની શોભાયાત્રા રાજકોટથી નિકળી હતી.

  મંદિરમાં કુલ 21 મૂર્તિ સ્થાપિત કરવાની છે ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી આ મૂર્તિઓની શોભાયાત્રા પણ નિકળી હતી. આ ઉપરાંત ખોડલધામમાં પાંચ દિવસ કયા કયા કાર્યક્રમો થવાના છે એની એક રૂપરેખા ઉપર કરીએ નજર

  * ૧૭મીએ સવારે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના નિર્ધારીત ગામેથી માતાજીની કુલ ર૧ મૂર્તિઓ સાથેની શોભાયાત્રા વહેલી સવારે પ્રસ્થાન પામશે.

  * બપોરે ૧ર વાગ્યા સુધીમાં શોભાયાત્રા કાગવડ પહોંચશે. બાદમાં ઉદ્ઘાટન વિધિ

  * તા. ૧૮મીએ સવારે ૮થી પ અને બપોરે ર થી પ સુધી ર૧ કુંડનો હવન

  * બપોરે ૧રથી પ કલાક લોકડાયરો. જેમાં ભીખુદાન, કિર્તીદાન, ધીરુભાઈ, બ્રિજરાજદાન, સુખદેવભાઈ, અલ્પાબેન, ઉર્વશીબેન જેવા કલાકારો જમાવટ કરશે

  * તા. ૧૯મીએ સવારે ૮થી પ અને બપોરે ર થી પ સુધી ર૧ કુંડનો હવન

  * મુંબઈના ૪પ કરતા વધારે કલાકારો દ્વારા ‘સથવારો રાધેશ્યામનો’ કાર્યક્રમ રજૂ થશે

  * તા. ર૦મીએ ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવો દર્શાવતો ઓડિયો વિઝયુઅલ કાર્યક્રમ

  * સામાજિક, શૈક્ષણિક, રાજકીય, કૃષિ સહિતના ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝયુઅલ કાર્યક્રમ

  * તા. ર૦મીએ સવારે પ : ૩૦થી ૬ : ૩૦ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ

  * ૬ : ૩૦ કલાકે ધ્વજા રોહણ, બાદમાં માતાજીની લાઈવ આરતી. જેમાં નીતિન દેવકા, આસિફ ઝેરિયા, દીપક જોશી, રમેશ હીરપરા, જયેશ દવે, હેમંત જોશી, નિધી ધોળકીયા, અલ્પા પટેલ, ઉર્વશી રાદડીયા, સોનલ ગઢવી, સરસ્વતીબેન હીરપરા, અમી ગોસાઈ જેવા ગાયક-ગાયીકાઓ રંગ જમાવશે

  * ઉપરાંત ૯૦ કલાકારોની ટીમ લોકગીતો, માતાજીના ગીતો, દેશભક્તિના ગીતો, પ્રભાતીયાની પ્રસ્તુતિ કરશે

  * ર૧ બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે ર૧ મહાઆરતી થશે. એક આરતીમાં ૧પ૧ દીવડા હશે.

  * ખોડલધામ મહિલા સમિતિના ૧૩૦ બહેનો દ્વારા ગણપતિ સ્તુતિ અને માં ખોડિયારના ગરબાની રજૂઆત થશે

  * એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના ૩.પ૦ લાખ લોકો સમૂહ રાષ્ટ્રગાન કરશે. જેનો ગિનિસ રેકોર્ડ દર્જ થશે.

  * સવારે ૮ : ૩૦ કલાકે મહાસભામાં સંતો-મહંતો આશિર્વચન આપશે. ત્યાર બાદ ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ પટેલ સંદેશો આપશે.

   

  source: sandesh

  0
 • Jan 17

  આંકલાવના ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતાં 6 નબીરા અને 5 યુવતીઓ ઝડપાઈ

  આંકલાવ પોલીસે આજે એક ફાર્મહાઉસ પર દરોડા પાડી વિદેશી દારૂની મહેફિલ માણતાં 6 નબીરા અને 5 યુવતીઓને રંગે હાથે ઝડપી પાડ્યાં છે. ઘટના સ્થળેથી 15 બિયરની બોટલ અને 5 વ્હીસ્કીની બોટલ સાથે 2 બાઈક જપ્ત કર્યાં છે.

  સરકાર દ્વારા કડક દારૂબંધીના કાયદા હોવા છતાં લોકો છૂટથી વિદેશી દારૂ મેળવી સેવન કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તાજેતરમાં વડોદરાના એક ફાર્મહાઉસ પર પોલીસે દરોડો પડી હાઈપ્રોફાઇલ લોકોને વિદેશી શરાબની મહેફિલ માણતા ઝડપી પાડ્યાં હતાં.

  આ મામલાને હજી તો થોડા જ દિવસો થયાં છે ત્યાં આંકલાવના ફાર્મહાઉસમાં પણ વિદેશી દારૂની મહેફિલ પકડાઈ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આંકલાવના ઉમેટા રોડ પર સ્થિત એક ફાર્મહાઉસમાં બાતમીના આધારે આંકલાવ પોલીસે દરોડો પડતા ઘટના સ્થળે વિદેશી શરાબની મહેફિલ માણતા સ્થાનિક 6 નબીરાઓ તથા તેમની સાથે પાંચ યુવતીઓને રંગે હાથે ઝડપી પાડી છે.

  આ પાંચ યુવતીઓ વડોદરા તેમજ અમદાવાદની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી બિયર અને વીસ્કી સહીત 2 બાઈકો જપ્ત કરી તમામ લોકો ને મેડિકલ ટેસ્ટ માટે આંકલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યાં છે. ઝડપાયેલ 6 નબીરા અને 5 યુવતીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

   

  source: sandesh

  0
 • Jan 17

  ખોડલધામ : એક સમયે બંજર વગડો આજે રંગ ઉપવન, મહાતિર્થધામ

  સૌરાષ્ટ્રના કાગવડમાં આજથી છએક વર્ષ પહેલા આ ગામનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે. રાજકોટથી આશરે ૬૦ કિ.મી.ના અંતરે આવેલા આ ગામનું નામ આજે માત્ર લેઉઆ પટેલ સમાજ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના જન જનના મુખે રમતું થઈ ગયું છે.

  વામન એવા કાગવડ ગામે વિરાટ સ્થાપત્ય ખોડલધામનું સર્જન કરી એક સમયના બંજર વગડા જેવી જમીનમાં આજે રંગ ઉપવનને મહાતિર્થધામની અનુપમ રંગોળી ધરતીપુત્રોએ ૧૦૦ એકર જમીનમાં ચિતરી છે.

  ખેડૂત એ ખંતને વરેલો માણીગર. ધરતી ફાડીને તેના કઠણ પથ્થર ચીરીને બીજ ઉછેરવાની કુશળતા તેને જન્મજાત. સુક્કી ભઠ્ઠ માટીમાં પાણી અને પરસેવો તો ઠીક, જરૃર પડયે લોહી સિંચીને એ અનાજ ઉગાડે.

  જીવને જીવાડે એટલે જગતાત. બાવડાનું જોર અને મહેનતના મદારે જીવતા ખેડૂતોએ સહિયારા ખંત અને લેઉઆ પટેલ સમાજના સંપની સંપદાથી ઉજ્જડ જમીનની જોતજોતામાં એવી તે કાયાપલટ કરી કે ભારત અને વિશ્વના ઈતિહાસમાં ખોડલધામ અને કાગવડ ગામનું નામ અંકિત થઈ ગયું.

  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જ ગિનિસ સહિત ચાર વર્લ્ડ રેકોર્ડ, એ પૂર્વે યોજાયેલા અન્ય મહોત્સવમાં પણ ગિનિસ રેકોર્ડ નોંધી દેશને એક કરતાં વધુ વખત ગૌરવ આપવાનું પોરસ મેળવ્યું છે.

  ધરતીપુત્ર શા માટે સૃષ્ટિના સર્જન સાથે ધરતી પર અન્ન ઉત્પન્ન થાય તે માટે શિવજીએ પૃથ્વી ખેડવા એક પુત્ર ઉત્પન્ન કર્યો અને પૃથુરાજાને આપ્યો. પૃથુરાજાના પત્ની એ પૃથ્વી. આ પુત્રને ધરતીપુત્ર કહેવાયો. એ પાટીદાર સમાજની ઉત્પતિની ગાથા હોવાનું મનાય છે.

  બાદમાં પ્રશ્ન થયો કે ધરતી ખેડવી કઈ રીતે? એટલે બ્રહ્માજીએ તેને હળ આપ્યું અને ભગવાન વિષ્ણુએ હાંતી (સાંતી) આપી. જમીન ખેડતા ગ્રામ્ય સંસ્કૃતિનું સર્જન થયું. દેવોએ ખેતર ખેડવામાં મદદ કરવા માટે બળદ આપ્યા અને એ રીતે સમાજ જીવનની શરુઆત થઈ.

  સમાજ સંસ્કૃતિની ગાથા કંડારી ખોડલધામ મંદિરની દિવાલ પર પટેલ પેનલ કંડારવામાં આવી છે. સમગ્ર મંદિરનો ભાર વહન કરતા હોય તે રીતે ખેડૂતો, પટેલ સમાજના પુરુષોની પ્રતિકૃતિ પથ્થરોમાં કંડારીને મુકાઈ છે. દરેક કૃતિ એકબીજાથી ભિન્ન છે. કોઈના હાથમાં હળ છે, તો કોઈના હાથમાં ત્રિકમ.

  આ રીતે જે સમાજ દ્વારા મંદિરનું નિર્માણ થયું તે સમાજની ઉત્પતિથી લઈ સમાજ જીવન સુધીના સંસ્કૃતિના વિસ્તારની ગાથા શિલ્પ રુપે પ્રસ્તુત કરાઈ છે.

   

  source: sandesh

  0
 • Jan 17

  ઝુકરબર્ગ 2024માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી લડશે

  અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી ઝુકરબર્ગે આ અંગે કોઈ જ નિવેદન જારી કર્યું નથી. તેમણે તેમની પુત્રી સાથે એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ચૂંટણી પરિણામ જોતા તેઓ પરિવર્તનની અપેક્ષા રાખે છે.

  તેમણે જાહેરમાં કોઈ પણ ઉમેદવારની તરફેણ કરી નથી. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ હંમેશા એવું કહેતાં સંભળાયા છે કે તેમને સમ્રાટ બનવું છે. ઝુકબર્ગના નજીકના મિત્રો પણ જણાવે છે કે રાજકારણ માટે ઝુકરબર્ગ એકદમ બંધબેસતા છે.

  તેઓ કદાચ કોઈક દિવસ પ્રમુખપદની ચૂંટણી લડે તેવી શક્યતા છે. ઝુકબરબર્ગ પાસે નેતૃત્વના ગુણ સહજ છે. એક મિત્રે જણાવ્યું હતું કે ઝુકરબર્ગે છેલ્લાં કેટલાક વર્ષોથી ભારે સાવચેતીપૂર્વક પોતાની વિશિષ્ટ પ્રતિભાનું સર્જન કર્યું છે. આના પરથી એવા સંકેત પણ મળે છે કે ઝુકરબર્ગ પોતાને રાજકારણ માટે સજજ કરી રહ્યા છે. . શક્ય છે કે તેઓ 2024ની અમેરિકાના પ્રમુખ માટેની ચૂંટણીમાં ઊભા રહે.

  મીડિયા અહેવાલ પ્રમાણે ઝુકરબર્ગ 2024માં 40 વર્ષના થઈ જશે. તેમણે પોતાના સંકલ્પ વિશે લખ્યું હતું કે તેઓ વર્ષના અંત સુધીમાં અમેરિકાના દરેક પ્રદેશમાં જશે અને ત્યાંના લોકોને મળશે.

  અગાઉ તેમણે કેટલાક રાજ્યોની મુલાકાત લીધી છે. સંકલ્પ પૂરો કરવા માટે તેઓ હજુ 30 રાજ્યોની મુલાકાત લેનાર છે. ઝુકરબર્ગ લોકો પાસેથી જાણવા માગે છે કે તેઓ કેવી રીતે જીવન જીવે છે, કેવી રીતે કામ કરે છે અને ભવિષ્ય માટે કેવી અપેક્ષા ધરાવે છે.

  અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા પછી ઝુકરબર્ગે આ અંગે કોઈ જ નિવેદન જારી કર્યું નથી. તેમણે તેમની પુત્રી સાથે એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ચૂંટણી પરિણામ જોતા તેઓ પરિવર્તનની અપેક્ષા રાખે છે. તેમણે જાહેરમાં કોઈ પણ ઉમેદવારની તરફેણ કરી નથી.

   

  source: sandesh

  0

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Subscribe

 • Name
 • Mobile No
 • Email